શહેરાના વાધજીપુર ગામે 27 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

શહેરા,

શહેરામાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હોય ત્યારે તાલુકાના વાઘજીપુર ગામના રહેણાંક મકાન માંથી રૂપિયા 27 હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો.

શહેરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે સમય દરમિયાન તેઓને ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે, વાઘજીપુર ગામના પરમાર ફળીયામાં રહેતો નરવતસિંહ ભગવતસિંહ પરમાર તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી મંગાવી સંતાડી રાખી દારૂનું વેચાણ કરે છે. આ અંગેની બાતમીના આધારે શહેરા પોલીસ મથકના સ્ટાફે પરમાર ફળીયામાં નરવતસિંહ પરમારના મકાનમાં રેઇડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 180 એમ.એલ. ની 207 નંગ બોટલ તેમજ 16 નંગ બીયરના ટીન મળી કુલ રૂપિયા 27,223નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે પોલીસની રેઇડ દરમિયાન દારૂ રાખનાર નરવતસિંહ સ્થળ હાજર મળી આવ્યો ન હતો. તો આ મામલે પોલીસે દારૂ રાખનાર શખ્સ સામે પ્રોહીબીશન એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.