છેલ્લા પાંચેક દિવસથી અવિતર વરસી રહેલા ભારે વરસાદથી રાજયના કેટલાક રસ્તાઓ ધોવાયા છે. તો કેટલાક રસ્તાઓ પર ગાબડું પડવાથી કે પછી જળમગ્ન થઈ ગયા હોવાથી સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં પણ અવિરત વરસેલા ભારે વરસાદની અસર જોવા મળી હતી. ભારે વરસાદથી શહેરા તાલુકાના વાંટાવછોડા ગામમાં પાનમ હાઈલેવલ કેનાલ પાસેથી પસાર થતાં મુવાડી ફળિયા તરફ જતાં કાચા રસ્તા ધોવાણ થતાં આ રસ્તા પર બેથી ત્રણ જગ્યાએ આશરે 5 થી 7 ફુટ ઉંડુ ગાબડું પડી ગયુ છે.
મુવાડી ફળિયાને જોડતા રસ્તા પર મસમોટુ ગાબડું પડી જતાં અવર જવર કરવાનો રસ્તો બંધ થઈ જતાં 200થી વધુ વસ્તી ધરાવતા મુવાડી ફળિયાના અંદાજિત 50 ઉપરાંત મકાનોના રહિશોને હાલાકીનો સામનો કરવાનો વારો સાથે પસાર થવુ મુશ્કેલ બન્યુ છે. ત્યારે ગાબડું પડવાના કારણે રસ્તો બંધ થતાં રહિશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેથી વહેલી તકે આ ગાબડું પુરવામાં આવે અને કાચો રસ્તો છે તેની જગ્યાએ પાકો રસ્તો બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.