શહેરા,
શહેરા તાલુકાના જુના વલ્લવપુર ગામે ખેતરના ઝાડો વેચવા બાબતે ત્રણ વ્યક્તિઓને માર મારવામાં આવતા 3 સામે ફરીયદ નોંધાઈ હતી.આ મારમારીના બનાવમાં દંપત્તિ સહિત ત્રણને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના જુના વલ્લવપુર ગામના રામજી ફળીયામાં રહેતા બળદેવસિંહ કેસરસિંહ સોલંકી તેઓના ઘરે હતા. તે સમય દરમિયાન તેઓની પત્નીએ જણાવેલ કે, આપણા ખારવાવાળા ખેતરના શેઢા ઉપર આવેલ લીમડાના ઝાડોને તેઓની બાજુવાળા ખેતરવાળા ફતેસિંહ ફૂલસિંહ સોલંકી રહે. નવાધરા ફળિયું નવા વલ્લવપુરનાએ કોઈ વેપારીને વેચાતા આપી દેતા તે વેપારી ઝાડો કાપવા આવેલ છે, તેમ કહેતા બળદેવસિંહ અને તેમની પત્ની જશોદાબેન તેમજ તેઓની બહેન મીના ચાવડા આ ત્રણેય જણે તેઓના ખારવાવાળા ખેતરમાં ગયા હતા. જ્યાં તેમણે જોતા ખેતરના શેઢા ઉપરના લીમડાના ઝાડ વેપારીએ કાપી નાખ્યા હતા. જેથી તેમણે વેપારીને તે ઝાડ ભરવાની ના પાડતા વેપારીએ ફતેસિંહને ફોન દ્વારા આ બાબતે વાતચિત કરતા ફતેસિંહ સોલંકી તેમજ તેઓનો પુત્ર વિનોદ અને રાકેશ એમ આ ત્રણેય જણા હાથમાં લાકડી લઈ આવ્યા હતા. ત્યારે બળદેવસિંહે લાકડા ભરવાની ના પાડતા તેઓએ એકદમ ઉશ્કેરાઈ જઈને ગાળો બોલવા લાગ્યા હતા અને ગાળો બોલવાની ના પાડતા બળદેવસિંહ સોલંકીને બાજુના ખેતરવાળા ફતેસિંહે માથાના ભાગે ધારીયું વિંઝી દેતા માથામાં વચ્ચે ધારીયું અડી જતા બળદેવસિંહને ઈજા પહોંચતા તેઓ જમીન પર પડી ગયા હતા. આ સમયે તેમની પત્ની જશોદા અને બહેન મીના વચ્ચે છોડાવવા પડતા તેઓની બેનને પણ કપાળમાં ધારીયું વાગી ગયું હતું અને મારવાની ના પાડતા ફતેસિંહ તેમજ તેઓના પુત્રોએ ઝપાઝપી કરી લાકડીઓ વડે જશોદા અને મીનાને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી બૂમાબૂમ થતા ત્યાંથી ભાગી ગયા હતા. આ બનાવમાં બળદેવસિંહ તેમજ તેમની પત્ની જશોદા અને બહેન મીનાને ઈજાઓ પહોંચતા ત્રણેયને 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરા સરકારી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો સમગ્ર મામલે બળદેવસિંહે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફતેસિંહ ફૂલસિંહ સોલંકી તેમજ તેમના પુત્ર વિનોદ અને રાકેશ સોલંકી સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.