શહેરાના વલ્લભપુર ગામે તળાવ ઉંડુ કરવાનો ઠરાવ ન થાય તો આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતા તાલુકા પંચાયત સદસ્ય જે.બી.સોલંકી

શહેરા, શહેરા તાલુકાના વલ્લભપુર ગામના સર્વે નંબર 977 માં આવેલ તળાવ ઊંડું થાય અને પશુપાલકોના પશુઓને પાણી પીવા માટે મળી રહે તે માટે સુજલામ સુફલામ જળ અભિયાન 2023 હેઠળ તળાવ ઊડું કરવા માટેનો વર્ક ઓડર વાડી તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી દ્વારા લાવવામાં આવ્યો હતો. જ્યારે ગ્રામ પંચાયત કચેરીમાં મળેલ સામાન્ય સભામાં ઉપસ્થિત સરપંચ અને સભ્યોએ આવનાર ગ્રામસભામાં નિર્ણય લેવાનો નક્કી કરેલ હતો. જેથી તાલુકા પંચાયત સભ્ય જે.બી. સોલંકીએ આનો સખત વિરોધ કરવા સાથે રજૂઆત માટે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી ગયા હતા. તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડાને વાડી તાલુકા પંચાયત સભ્ય જશવંતસિંહ સોલંકી લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વલ્લભપુર ગામમાં આવેલ સરકારી તળાવ ઊંડું કરવા માટે પાનમ સિંચાઈ વિભાગ માંથી સુજલામ સુફલામ અભિયાન હેઠળ વર્ક ઓડર મળેલ હોય અને આ તળાવને ઊંડું કરવામાં આવે તો વરસાદી પાણી ભરાય અને તેના કારણે પશુ પક્ષીઓ અને ગામના ખેડૂતો સિંચાઈ માટે પાણી ઉપયોગ કરી શકે તેમ છે. ગ્રામજનોના હિત માટે આ તળાવ ઊંડું થાય તે માટે મેં વર્ક ઓર્ડર લાવ્યો હતો. જો 24 કલાકની અંદર આ તળાવ ઉંડુ કરવા માટે ઠરાવ લખવામાં આવે તેવી અમારી માંગણી છે નહીં તો આવતીકાલે બુધવારના રોજ બપોરના 12:00 વાગ્યે જાગૃત નાગરિકો 10 ની સાથે હું આત્મવિલોપન કરીશ તેવી ચીમકી ઉચ્ચારી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે વાડી તાલુકા પંચાયત સદસ્યની ઉગ્ર રજૂઆત વલ્લભપુર ગામના તળાવ ઊંડું કરવાને લઈને કરવામાં આવવા સાથે જશવંતસિંહ સોલંકી દ્વારા આ બાબતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હોય ત્યારે સંબંધિત તંત્રના અધિકારીઓ યોગ્ય તપાસ કરીને નિર્ણય લેવામાં આવે તે પણ અત્યંત જરૂરી લાગી રહ્યું છે.

બોક્સ… રાહુલ અંસારી તલાટી કમ મંત્રી… વલ્લભપુર ગ્રામ પંચાયત..

ગ્રામ પંચાયત કચેરી ખાતે મંગળવારના રોજ સુજલામ સુફલામ જળ અભિયાન હેઠલ જશવંતસિંહ સોલંકી એ તળાવ ઊડું કરવા માટે અરજી આપીને આજની સામાન્ય સભામાં ઠરાવની માંગણી કરેલ હતી. સામાન્ય સભામાં સરપંચ અને સભ્યોએ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવે તેમાં આનો નિર્ણય લેવામાં આવે તેમ જણાવ્યું હતું. જેથી આવનારી ગ્રામસભા તળાવ ઉંડુ કરવાને લઈને નિર્ણય લેવામાં આવશે.