શહેરા તાલુકાના વલ્લભપુર ગામની ગ્રેનાઈટ પથ્થરની લીઝના ધારક દ્વારા ગૌચરની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરાતા તંત્ર દ્વારા દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવે સાથે સપ્તાહની અંદર આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવામાં આવ્યું હતું. જ્યારે ગૌચરમાં થયેલ દબાણ વહેલી તકે દૂર કરવામાં આવે તેવી આશા જાગૃત ગ્રામજનો રાખી રહ્યા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામમાં દિપક અમૃતલાલ પટેલના નામની ગ્રેનાઈટ પથ્થરની લીઝ આવેલી છે. જેમાં લીઝ ધારક દ્વારા લીઝ વિસ્તારની આસપાસ આવેલી સર્વે નંબર 814 અને 814/1 ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે દબાણ કરાયું હોવાનું સ્થાનિક ગ્રામજનને ધ્યાને આવતા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયત સહિત વહીવટી તંત્રને રજૂઆત કરી હતી.
જેના અનુસંધાનમાં નાયબ જીલ્લા વિકાસ અધિકારીએ તા.3જી ઓગષ્ટના રોજ શહેરા તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી વાડી વલ્લભપુર ગ્રામ પંચાયતને દબાણો દૂર કરવાની સૂચના આપવા તેમજ દબાણો દૂર ન કરવામાં આવે તો પંચાયત ધારાની કલમ હેઠળ તાત્કાલિક દબાણો દૂર કરવા જણાવ્યું હતું. જેને લઈને શહેરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તારીખ.5 ઓગષ્ટના રોજ લીઝ ધારક દિપક અમૃતલાલ પટેલને દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે.
જેમાં ગૌચરની જમીનમાં કરેલ દબાણ દૂર કરવા બાબતે પંચાયત દ્વારા તા.03/07/2024, તા.09/07/2024 અને 03/08/2024 ના રોજ નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણ ખુલ્લું કરવામાં આવ્યું નથી. જેથી ગૌચરની જમીનમાં કરેલ દબાણ સ્વેચ્છાએ દૂર કરવા જણાવ્યું હતું અને જો દબાણ ન કર્યું હોય તો તે સંબંધિત કોઈ આધાર પુરાવા હોય તો તારીખ 12/08/2024ના દિવસે તે લઈ તાલુકા પંચાયત શહેરા ખાતે રૂબરૂ હાજર રહેવાનું અને જો હાજર નહિ રહો તો તમારે કંઈ કહેવું નથી એમ માની પંચાયત ધારાની કલમ-105 મુજબ દબાણો દૂર કરવામાં આવશે નો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વલ્લભપુર ગામમાં દીપક પટેલની ગ્રેનાઇટ પથ્થરની લીઝ ને લઈને જાગૃત ગ્રામજનો દ્વારા જીલ્લાથી લઈને ગાંધીનગર સુધી તપાસ થાય તે માટે અનેક રજૂઆતો કરવામાં આવતી હોય ત્યારે આ લીઝમાં ખાણ ખનીજ વિભાગના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેમજ આ લીઝ ગૌચરમાં આવેલ હોવાની રજૂઆત જાગૃત ગ્રામજનો દ્વારા કરવામાં આવી હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ બાબતે કેવા પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે એતો આવનારા દિવસોમાં ખબર પડી જશે તો નવાઈ નહી.