શહેરા, શહેરા તાલુકાના ઊંજડા ગામના ભરવાડ ફળિયામાં ગામ તળની જમીનમાં ઉભા થયેલા પાકા દબાણો સોમવારના રોજ દૂર કરવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા 26 જેટલા ઘરોને જેસીબી અને હિટાચીના મશીનથી તોડી પાડીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.
શહેરા તાલુકાના ઊંજડા ગામના ભરવાડ ફળિયામાં ગામ તળની જમીનમાં દબાણ હોવાને લઈને તાલુકા વિકાસ અધિકારીના આદેશથી ગ્રામ પંચાયત કચેરી દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ અને ગ્રામ પંચાયત કચેરી દ્વારા અહીંના દબાણકારોને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા નોટિસ આપવામાં આવ્યા બાદ અધૂરા આધાર પુરાવા રજૂ કરેલ હોવાથી ગ્રામ પંચાયત કચેરીના સરપંચ દિલીપ મહેરા, તલાટી કમ મંત્રી અમિત ડામોર તેમજ નાયબ મામલતદાર અને તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સંજય બારીયાની ઉપસ્થિતિમાં સોમવારના રોજ
સવારના 10:00 વાગ્યાની આસપાસ ભરવાડ ફળિયામાં આવેલા 26 જેટલા કાચા પાકા ઘરોને હિટાચી અને જેસીબી ના મદદથી તોડવાની શરૂઆત કરાઈ હતી. ભરવાડ ફળિયામાં દબાણ ની કામગીરી દરમિયાન અહીં કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે તાલુકા પોલીસ મથકના પી.આઇ. રાહુલ રાજપુત સહિત ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર અને પાંચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ 50 કરતાં પોલીસ કર્મીઓનો બંદોબસ્ત અહી ખડકી દેવામાં આવ્યો હતો. બપોર સુધી અહીં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં દબાણની તોડવાની કામગીરી પૂર્ણ થઈ હતી.
ગામતળની જમીનમાં 26 જેટલા ભરવાડ પરીવારો વર્ષોથી અહીં રહેતા હતા અને મહેનત કરીને બનાવેલ પોતાનું ઘર તૂટતું જોઈને આંખમાંથી આંસુ વહી રહયા હતા. જોકે, અહીં રહેતા અનેક પરિવારોએ ઘરમાં રહેલ સામાન ખાલી કરીને નજીકમાં આવેલી ખુલ્લી જમીનમાં પોતાનો સામાન મૂકીને જમીનદોસ્ત થયેલ પોતાનુ ઘર સામે જોઈને દુ:ખ વ્યક્ત કરી રહયા હતા. ઊંજડા ગ્રામ પંચાયત કચેરી દ્વારા વર્ષો પછી આટલું મોટું વર્ષો જૂનું દબાણ ગામતળની જમીનમાંથી દૂર કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય ત્યારે આજુબાજુના ગામોમાં પણ ગૌચર અને અન્ય સરકારી જમીનમાં દબાણ હોઈ શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.
ઊંજડા ગામ ના ભરવાડ ફળિયામાં ગામતળ ની જમીનમાં વર્ષો જૂના પાકા દબાણો ગ્રામ પંચાયત કચેરી દ્વારા દૂર કરવામાં સફળતા મળી હોય ત્યારે સ્થાનિક ગામ તેમજ આજુબાજુના ગામોમાં પણ ગૌચર તેમજ અન્ય સરકારી જમીનમાં પણ દબાણ હોઈ શકે તેવી શક્યતા રહેલી હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ બાબતની તપાસ કરીને આ સામે પણ કાર્યવાહી કરવામાં આવે તો સરકારી જમીનમાં ઊભા થયેલા વર્ષો જુના અને નવા દબાણો દૂર થવાની શક્યતાઓ પણ રહેલી છે.