શહેરાના ઢાકલીયા રોડ તળાવ પાસે ઝાડી ઝાંંખરા માંથી 195 કિલો શંંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

શહેરા, શહેરા નગરના ઢાકલીયા રોડ ઉપર કબ્રસ્તાનની પાછળ તળાવ પાસે આવેલ ઝાડી ઝાંખરા માંથી પોલીસે 195કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 195કિલો શંકાસ્પદ ગૌમાંસ તેમજ બાઈક મળીને અંદાજીત રૂપિયા 50000નો મુદ્દામાલ સાથે બે સામે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શહેરા નગર વિસ્તારમાં છુપી રીતે કતલખાના ચાલી રહ્યા હોવાની માહિતી પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુતને મળેલ હતી. મળેલ માહિતીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.ડામોર, અનામ લોક રક્ષક લક્ષ્મણ ચારણ તેમજ અ.પો.કો. મનહર ઘોડ સહિતનો પોલીસ સ્ટાફએ નગરના ઢાકલીયા રોડ ઉપર કબ્રસ્તાનની પાછળ તળાવ પાસે આવેલા ઝાડી ઝાખરામાં ધમધમી રહેલ કતલખાના પર રેઇડ કરી હતી. પોલીસને જોતા કસાઇઓ સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે પોલીસને સ્થળ પરથી શંકાસ્પદ ગૌમાંસનો મોટો જથ્થો મળી આવવા સાથે પશુઓના અંગો પણ મળી આવતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. જોકે, પોલીસ દ્વારા મળી આવેલ શંકાસ્પદ ગૌમાંસના જથ્થાનું વજન કરતા 195 કિલો થવા સાથે રૂપિયા 39,000 તેમજ બાઈક મળીને પોલીસે અંદાજીત રૂપિયા 50,000 ના મુદ્દામાલ સાથે બે સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ દ્વારા અનેક વખત નગર વિસ્તારમાંથી કતલ કરવાના ઇરાદે ઘાસચારા વગર બાંધી રાખેલ પશુઓને બચાવી લેવા સાથે ચાલુ વર્ષ દરમિયાન અનેક વખત ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસે છુપી રીતે ચાલતા કતલખાના સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા કસાઈઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ફરી એક વખત પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત સહિતના પોલીસ સ્ટાફની સારી કામગીરી તાલુકા પંથકના લોકોને જોવા મળી હતી. બે વર્ષ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત દ્વારા કતલખાના પર રેઇડ કરીને પશુઓનો જીવ બચાવી લેવામાં આવતા પોલીસની કામગીરીને પશુ પ્રેમીઓએ બિરદાવી હતી.