શહેરાના ઢાકલીયા ગામે તળાવના વળાંક અકસ્માતનો ભય રેલીંગ મુકવી જરૂરી

શહેરા, શહેરાથી ઢાકલીયા તરફ જવાના માર્ગ ઉપરથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા હોય તેમ કહીએ તો નવાઈ નહી. આ ડામર રસ્તા ઉપર ઢાકલીયા ગામના તળાવ પાસે મોટો વળાંક હોવા સાથે રેલિંગ પણ નહીં હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

શહેરા પોલીસ સ્ટેશન સામેથી ઢાકલીયા ગામ તરફ જવાનાં રસ્તા પર વાહન ચાલકોની અવરજવર રહેતી હોય છે, જ્યારે ઢાકલીયા ગામના તળાવ પાસે પસાર થતા ડામર રસ્તા પર રેલિંગ નહિ હોવાથી વાહન ચાલકો ને અકસ્માત થવાનો ભય સતાવતો હોય છે. તળાવ પાસે ટ્રક જેવું વાહન સામે આવી જાય તો કાર જેવા વાહન ચાલકને પોતાનું વાહન રીવર્સ લેવું પડે એવું પણ બનતુ હોય છે. રસ્તાના અડીને આવેલ તળાવ 10ફૂટ કરતા પણ ઊંડું હોવાથી અહીં કોઈ મોટી ઘટના બને તે પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે તે પણ જરૂરી છે. આ રસ્તા ઉપર અકસ્માતના નાના મોટા બનાવો પણ બનવા પામ્યા હોય સાથે આ રસ્તો દિન પ્રતિદિન ટૂંકો બનતો જતો હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે ડામર રસ્તા પર વળાંક હોવા છતાં કોઈ ચેતવણી બોર્ડ નહી મુકવા સાથે સફેદ પટ્ટા પણ ઝાંખા થઈ ગયા હોય, ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા નહિ લેવામાં આવતા અહીંથી પસાર થતા વાહન ચાલકોનો છૂપો આક્રોશ તંત્ર સામે જોવા મળે તો નવાઈ નહી.