શહેરા તાલુકાના તાડવા ગામ પાસેથી ખાણ ખનીજ વિભાગે સફેદ પથ્થર અને રેતી ભરેલ બે વાહનો ઝડપી પાડી રૂ.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે સ્થાનિક તંત્ર ખનીજ ચોરી અટકાવવામાં નિષ્ફળ નિવડી રહ્યું છે.
પંચમહાલ જિલ્લામાંથી ખનીજ ચોરો દ્વારા સફેદ પથ્થર અને રેતી જેવી ખનીજ સંપત્તિનું અનઅધિકૃત રીતે ખનન કરી બેરોકટોક ખનીજ સંપત્તિની હેરાફેરી કરવામાં આવતી હોય છે,જેના કારણે સરકારી તિજોરી થતી આવકને મોટાપાયે નુક્શાન થતું હોય છે,અને શહેરા તાલુકા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી જમીનોમાંથી સફેદ પથ્થર અને જિલ્લામાં આવેલી નદીઓમાંથી રેતીનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું જાણવા છતાં ખનીજ વિભાગ માત્ર નજીવા વાહનો પકડીને પોતાની કામગીરી બતાવતું હોય છે.
ત્યારે એ જ પ્રકારે પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ શહેરા તાલુકામાં પેટ્રોલીંગમાં હતી,તે સમય દરમ્યાન શહેરા-ગોધરા હાઇવે ઉપર આવેલ તાડવા ગામ પાસેથી સફેદ પથ્થર ભરીને પસાર થતી એક ટ્રક નંબર જીજે 23 ડબ્લ્યુ 4389 ને ઉભી રખાવી ટ્રકમાં ભરેલ સફેદ પથ્થર અંગે પાસ પરમીટ માંગતા ચાલકે પાસ પરમીટ રજૂ નહીં કરતા ખાણ ખનીજ વિભાગે સફેદ પથ્થર ભરેલ ટ્રક સહિત અંદાજીત રૂપિયા 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,તો બીજું એક જીજે 17 બીએચ 4683 નંબરનું ટ્રેક્ટર તાડવા ગામ પાસેથી રેતી ભરીને પસાર થતું હતું,તેને પણ ઉભું રખાવી ટ્રેક્ટરમાં ભરેલ રેતી અંગે પાસ પરમીટ માંગતા પાસ પરમીટ રજૂ નહીં કરતા રેતી ભરેલ ટ્રેક્ટરને પણ ઝડપી પાડ્યું હતું.
આમ ખાણ ખનિજ વિભાગે ગેરકાયદે સફેદ પથ્થર અને રેતી ભરેલ બે વાહનો ઝડપી પાડી અંદાજીત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને વાહનોને શહેરા તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં મુકાવી કાર્યવાહી હાથ ધરી હતી.