શહેરાના રેણા ગામે શ્રીમતિ જી.કે.સોલંકી હાઈસ્કુલ ખાતે પ્રાંત અધિકારીના હસ્તે ઘ્વજવંદન કરાયું

શહેરા તાલુકાના રેણાં ગામની શ્રીમતી જી.કે.સોલંકી સાર્વજનિક હાઇસ્કુલ ખાતે વરસાદી માહોલ વચ્ચે પ્રાંત અધિકારીના હસ્તે ધ્વજ લવંદન કરવામાં આવ્યું હતું. નગર અને તાલુકામાં 150 કરતા વધુ સ્થળે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

શહેરા તાલુકામાં સરકારી કચેરીઓ તેમજ શાળા કોલેજો અને વિવિધ સંસ્થાઓ ખાતે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે સ્વાતંત્ર પર્વનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકાના રેણાં ગામની શ્રીમતી જી.કે.સોલંકી સાર્વજનિક હાઇસ્કુલ ખાતે પ્રાંત અધિકારી પ્રણવ વિજયવર્ગીય, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલની ઉપસ્થિતિમાં વરસાદી માહોલ વચ્ચે તાલુકા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરા પ્રાંત અધિકારી પ્રણવ વિજયવર્ગીયાના વરદહસ્તે તિરંગાને સલામી આપી ધ્વજવંદન કરાયું હતું.

આ પ્રસંગે શહેરા પ્રાંત અધિકારીએ ઉપસ્થિત મહાનુભાવો તેમજ ગ્રામજનો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને રાજકીય આગેવાનોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી આઝાદીની લડતમાં શહીદ થયેલ શહીદોને યાદ કરી દેશની આઝાદી માટે આપેલ બલિદાનની વાત કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા. તાલુકા પંથકમાં 78 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તાલુકાવાસીઓ એ ઉમંગભેર ઉજવણી કરાઈ હતી.