શહેરા,ગત તા.10મી ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગના ફ્લાઈંગ સ્કવાર્ડ અધિક નિયામકની સૂચનાને લઈને છોટાઉદેપુર ફ્લાઈંગ સ્કવાર્ડની ટીમ દ્વારા પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના રેણાં ગામે સર્વે નં.43/1 માં આવેલ અરવિંદભાઈ મનુભાઈ પટેલના નામની ગ્રેનાઈટ પથ્થરની લિઝમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી,જેમાં ફ્લાઈંગ સ્કવાર્ડની ટીમની તપાસ દરમિયાન લીઝ વિસ્તારની આસપાસ અનઅધિકૃત રીતે ગ્રેનાઈટ પથ્થરનું ખોદકામ કરવામાં આવતું હોવાનું નજરે પડતા તપાસ ટીમ દ્વારા ખોદકામ કરાયેલ જગ્યાની તપાસ કરાતા લીઝ નજીક આવેલ સર્વે નંબર 942 અને 943માં ગેરકાયદેસર રીતે ગ્રેનાઈટ પથ્થરનું ખોદકામ થતું હોવાનું માલુમ પડતા ગ્રેનાઈટ પથ્થરનું વહન કરતાં બે હિટાચી મશીન, પાંચ ટ્રેલર અને એક ડમ્પરને જપ્ત કરવામાં આવ્યું હતું. સાથેસાથે સ્થળ પરથી 2 વાયર શો મશીન, 1 જનરેટર તેમજ પીળા કલરની જમીન પર ફિક્સ કરેલ SSE કંપનીની એક ક્રેન પણ સિઝ કરવામાં આવી હતી. આમ, રેણાં ગામે અનઅધિકૃત રીતે ગ્રેનાઈટ પથ્થરનું ખનન કરાતું હોવાનું સામે આવતા છોટાઉદેપુર ફ્લાઈંગ સ્કવાર્ડની ટીમે 8 જેટલા વાહનો સહિત અંદાજીત રૂ.5 કરોડનો મુદ્દામાલ કબ્જે લઈ ગોધરા ખાણ ખનીજ વિભાગની કચેરીના કમ્પાઉન્ડમાં મુકવામાં આવી હતી. સાથે જ જ્યાં ખોદકામ કરવામાં આવતું હતું. તે જગ્યાએ માપણી કરી દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હતી.
શહેરા તાલુકામાં ગ્રેનાઈટ પથ્થર, સફેદ પથ્થર અને રેતી જેવી ખનીજ સંપત્તિનું મોટાપાયે અનઅધિકૃત રીતે ખનન થતું હોવા છતાં પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અજાણ હોય તેમ આંખ આડા કાન કરતાં હોય તેવામાં છોટાઉદેપુર જીલ્લા ખાણ ખનીજ ફ્લાઈંગ સ્કવાર્ડની ટીમે સપાટો બોલાવી અનઅધિકૃત રીતે ગ્રેનાઈટ પથ્થરના ખનન સામે કાર્યવાહી કરતાં પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ વિભાગ આ બાબતે અજાણ હશે કે પછી ચાલે છે.. ચાલવા દો …ની નિતી તો નહીં અપનાવતા હોય તેવા સવાલો ઉઠ્યા.