શહેરા, શહેરા નગરમાં કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદમાં નગરના અતિપ્રાચિમ મહાલક્ષ્મી મંદિરના શિખર ઉપર વીજળી પડતા શિખરની નીચેના ભાગને મોટુ નુકસાન થયુ હતુ. જોકે કોઈ જાનહાનિ ન થતાં સોૈએ હાશકારો અનુભવ્યો હતો.
શહેરા નગરમાં તળાવના કિનારે આવેલુ અને લોકવાયકા પ્રમાણે અંદાજિત 900 વર્ષ જુનુ મહાલક્ષ્મી માતાનુ મંદિર આવેલુ છે. નગરના વાતાવરણમાં પલ્ટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ વરસ્વા લાગ્યો હતો. દરમિયાન અચાનક વીજળી પડતા સમગ્ર નગરમાં અંધારપાટ છવાયો હતો. પુન: વીજળી થતાં નગરના અતિપ્રાચિન મહાલક્ષ્મી માતા મંદિરના ગુંબજ ઉપર વીજળી પડી હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેના કારણે ગુંબજ પરની પતાકા પણ બળી ગઈ હતી. આને કાળા રંગનો લીસોટો ગુંબજથી નીચેના ભાગ સુધી જોવા મળ્યો હતો. તેમજ નીચેના ભાગે મંદિરની દિવાલનો એક મોટો ભાગ તુટી પડ્યો હતો. સામાન્ય દિવસોમાં રાત્રિના સમયે મંદિરમાં ધણા ભકતો ત્યાં બેસતા હોય પરંતુ વરસાદને કારણે ત્યાં કોઈ નહિ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.