શહેરાના પાલીખંડા પાસેથી ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર મામલતદારે ઝડપ્યું

શહેરા,

શહેરા-લુણાવાડા હાઈવે પર આવેલ પાલીખંડા પાસેથી ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરને મામલતદારે ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જોકે ગ્રામીણ વિસ્તારમાં આવેલ નદી તેમજ કોતરમાંથી મોટાપાયે રેતી ખનન થઈ રહ્યું હોય ત્યારે આ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે.

પંચમહાલ જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે સફેદ પથ્થર, રેતી તેમજ માટી જેવી ખનિજ સંપત્તિનું મોટા પ્રમાણમાં ખનન થતુ હોય છે. જેને રોકવા માટે તંત્ર દ્વારા ખનીજ ચોરો સામે લાલઆંખ કરી ગેરકાયદેસર રીતે ખનીજ સંપત્તિનું ખનન કરતા વાહનોને ઝડપી પાડવામાં આવતા હોય છે. ત્યારે શહેરા-લુણાવાડા હાઈવે માર્ગ પરથી એક ડમ્પર નંબર જીજે 09 એક્સ 9240 રેતી ભરીને જઈ રહ્યું હોવાની જાણ શહેરા મામલતદાર એન.બી.મોદીને થતાં તેઓ શહેરા-લુણાવાડા હાઈવે પર આવેલ પાલીખંડા પાસે વોચમાં હતા તે સમય દરમિયાન ત્યાંથી જીજે 09 એક્સ 9240 નંબરનું ડમ્પર લુણાવાડા તરફ પસાર થઈ રહ્યું હતું. જેથી તેને ઉભુ રખાવી રેતી અંગેના પાસ પરમીટ માંગતા રોયલ્ટી પાસમાં માત્ર 19.5 ટન રેતી ભરવાનો ઉલ્લેખ કરાયો હતો. જોકે, ડમ્પરને વજન કાંટાએ લઈ જઈ વજન કરાવતા તેમાં 23.975 ટન રેતી ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ડમ્પરમાં 4.975 ટન વધુ રેતી ભરેલ હોવાનું સામે આવતા ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરને ઝડપી પાડી શહેરા તાલુકા સેવા સદન ખાતે લાવી કબ્જે કરી વધુ કાર્યવાહી માટે જિલ્લા ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરાયો હતો. જોકે, શહેરા તાલુકાના અનેક વિસ્તારોમાંથી નદી, કોતર માંથી ગેરકાયદે રેતી ખનન અને સફેદ પથ્થરનું ખનન થતું હોવા છતાં ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી રોકવામાં કોઈ રસ ન હોવાનું લાગી રહ્યું છે.