શહેરાના ગજનબી મસ્જીદ થી સીંધી ચોકડી જવાના રસ્તા ઉપર ગંદા પાણીથી દુકાનદારો અને રહિશો પરેશાન

શહેરા નગરના મહત્વના વિસ્તારમાં આવેલી ગજનબી મસ્જિદ થી સિંધી ચોકડી તરફ જવાના રસ્તા ઉપર ગંદા પાણી આવી જવાની સમસ્યાથી દુકાનદારો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ રસ્તા પર આવી જતા ગંદા પાણીની સમસ્યા વહેલી તકે હલ નહીં થાય તો આ વિસ્તારના જાગૃત નાગરીકો ધારાસભ્ય અને સંબધિત તંત્રની મુખ્ય કચેરી ખાતે લેખિત અને મૌખિક રજૂઆત કરે તો નવાઈ નહી.

શહેરા નગરના ગજનબી મસ્જિદ પાસે પસાર થતા રસ્તા ઉપર ગંદા પાણી આવી જવાની સમસ્યા દુકાનદારો અને રાહદારીઓ માટે માથાંના દુ:ખાવા સમાન બની ગઈ છે. ગજનબી મસ્જિદ થી સિંધી ચોકડી તરફ જવાના રસ્તા ઉપર ગટર ગંદા પાણી આવી જતા અહીંથી પસાર થતાં રાહદારીઓને ભારે હાલાકી વેઠીવી પડી રહી છે. રસ્તા પર ગંદા પાણી આવી જતા હોવાની સમસ્યા પાછલા કેટલાય સમયથી હોવાથી જાગૃત નાગરીક દ્વારા નગરપાલિકા કચેરી નું ધ્યાન પણ દોરવામાં આવેલ હોવા છતાં આ સમસ્યાનો અંત આવ્યો ન હતો.

રસ્તા ઉપર આવી જતા ગંદા પાણીની સમસ્યા વહેલી તકે હલ થાય નહી તો આવી જ પરિસ્થિતિ આગામી દિવસોમાં આ વિસ્તારમાં રહેશે, તો મચ્છર નો ઉપદ્રવ વધવા સાથે રોગચાળો ફાટી નીકળશે તેવી શક્યતા ને પણ નકારી શકાય તેમ નથી. નગર પાલીકા દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો આ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા આ ઉપરોક્ત બાબતે ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ તેમજ ઉચ્ચકક્ષાએ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ હતું. હાલતો અહી જોવા મળતી પરિસ્થિતિને જોતા નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તા પર જોવા મળતા ગટરના ગંદા પાણી દૂર કરીને અહીં દવાનો છંટકાવ કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી લાગી રહયુ છે. સતત લોકોની અવરજવર આ રસ્તા પર રહેતી હોય ત્યારે પાલિકાના ચીફ ઓફિસર આ વિસ્તારની મુલાકાત લઈને દુકાનદારો તેમજ આ વિસ્તારના નગરજનોની જે કોઈ સમસ્યા હોય એનો તાત્કાલિક નિકાલ લાવે એવી આશા જાગૃત નાગરિકો રાખી રહ્યા હતા.