શહેરા,
શહેરા તાલુકાના નવીવાડી ગામે શ્ર્વાનનો આતંક સામે આવ્યો હતો. શ્ર્વાને ગામના 15 જેટલા લોકોને કરડતા ગામ માં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવીવાડી ગામે શ્ર્વાનનો આંતક સામે આવ્યો હતો. છેલ્લા ત્રણેક દિવસથી ગામના હાઈસ્કૂલ ફળિયા વિસ્તારમાં વલ્લવપુર, નવીવાડી તેમજ ઉજડા ગામના લોકો પર બે થી ત્રણ શ્ર્વાને અચાનક હુમલો કરી હાથ, પગના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો પર બચકાં ભરી લેતા મહિલા, પુરૂષ અને નાના બાળકો એમ 20 ઉપરાંત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ આરોગ્ય વિભાગને થતાં આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને કોઈ આડઅસર ન થાય તે માટે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક અસરથી જરૂરી સારવાર આપવામાં આવી હતી. તો બીજી તરફ નવીવાડી ગામના હાઈસ્કૂલ ફળિયા વિસ્તારમાં શ્ર્વાનના આતંકથી 15 લોકો ઈજાગ્રસ્ત થતાં ગામલોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યારે આ શ્ર્વાન અન્ય લોકોને પોતાનો ભોગ બનાવે તે પહેલાં તંત્ર દ્વારા આ શ્ર્વાનને પકડી પાડવામાં આવે તે જરૂરી છે.