શહેરા તાલુકાના નવા વલ્લવપુર ગામમાં રવિવારની મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં 10 ફૂટ લાંબો મહાકાય મગર આવી ચઢ્યો હતો. જેને લઈને ગામલોકોએ મગરનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે ગામના તળાવ છોડયો હતો.
શહેરા તાલુકાના નવા વલ્લવપુર ગામે આવેલ બાબુભાઈ ખુશાલભાઈ મકવાણાના રહેણાંક ઘર પાસે રવિવારની મોડી રાત્રિએ આશરે 10 ફૂટ લાંબો મહાકાય મગર આવી ચઢ્યો હતો. જેને જોતા જ ઘર માલિક સહિત આસપાસના સ્થાનિક રહીશોમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે, માનવ વસ્તીમાં મગર એ દેખા દેતા આ વિસ્તારમાં રહેતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે સ્થાનિક રહીશો દ્વારા ગામના જીવદયા પ્રેમી મુકેશ માછીને જાણ કરવામાં આવતા જીવદયા પ્રેમી મુકેશ માછીએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ગામના યુવાનોને સાથે રાખી રહેણાંક વિસ્તારમાં આવી ચઢેલા મહાકાય મગરને એક કલાકની ભારે મહેનત બાદ પકડી પાડવામાં આવ્યો હતો.
રેસ્કયુ કરાયેલા મહાકાય મગરને સહી સલામત રીતે ગામના તળાવમાં છોડવામાં આવ્યો હતો તો બીજી તરફ મગરનું સફળ રેસ્ક્યુ કરાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. આ ગામમાં આ પહેલા પણ મગર માનવ વસ્તી માં આવી ગયો હોવાનું જાણવા મળેલ હોય ત્યારે વન વિભાગ દ્વારા ઉપરોક્ત આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે તે પણ જરૂરી છે.