શહેરા, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવા મીરાપુર ગામના ખેતર ઉપરથી વીજ તારની મુખ્ય લાઈન પસાર થાય છે. પવનના કારણે વીજ તાર ઉપર વૃક્ષ પડતા અન્ય વીજ તાર ભેગા થઈ જતા ખેતરમાં તણખા પડ્યરા હતા. જેના કારણે ખેતરમાં તૈયાર થયેલો ધઉંના પાકમાં આગ ભભુકી ઉઠતા પાક સળગી ગયો હતો.
બનાવની જાણ ખેતર માલિક સહિત આસપાસના સ્થાનિકોને થતાં તાત્કાલિક ખેતરમાં દોડી જઈ પાણીનો છંટકાવ કરી આગ બુઝાવવાનો પ્રયાસ કરી આગ કાબુમાં લીધી હતી. આ બનાવ અંગે એમજીવીસીએલને જાણ કરવામાં આવી હતી. ખેતરમાં આગ લાગતા મોટાભાગનો ધઉંનો પાક સળગી ગયો હતો. આ પ્રકારે અગાઉ પણ તાર ઉપર શોર્ટ સર્કિટ થતાં વીજળીના તણખા પડ્યા હતા. જોકે તે સમયે ધઉંનો પાક લીલો હોવાથી કોઈ ધટના બની ન હતી. બીજી તરફ અહિંથી પસાર થતાં વીજ તાર ઉપર નડતરરૂપ વૃક્ષના કારણે તેમજ મુખ્ય વીજની લાઈન ખેતરમાંથી પસાર થતી હોવાથી છાશવારે શોર્ટસર્કિટની ધટના બનતી હોવાનુ જાણવા મળ્યુ હતુ.