શહેરા,
શહેરાના મોરવા-વાડી ગામ તરફ જતા રસ્તા ઉપરથી ગેરકાયદે પંચરાઉ અને ઈમારતી લાકડા ભરેલ ટ્રકને વન વિભાગે ઝડપી પાડી હતી. વન વિભાગે લાકડા અને ટ્રક મળી રૂપિયા 3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શહેરા વન વિભાગ કચેરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.વી.પટેલ તેમજ ગુણેલી ઈન્ચાર્જ ફોરેસ્ટર એન.જી.સોલંકી સહિત વન વિભાગનો સ્ટાફ બુધવારની વહેલી સવારે મોરવા-વાડી ગામ તરફ જતા ડામર રસ્તા ઉપર પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમ્યાન ત્યાંથી પસાર થતી ટ્રક નંબર જીજે.17.ટી. 5188 ને ઉભી રખાવતા વન વિભાગની ટીમ દ્વારા ટ્રકમાં તપાસ કરવામાં આવતા ટ્રકમાં પંચરાઉ અને ઈમારતી લાકડા ભરેલ હોવાનું માલુમ પડ્યું હતું. જેને લઈને ચાલક પાસે લાકડા અંગેના આધાર પુરાવા માંગતા ચાલકે આધાર પુરાવા રજૂ નહીં કરતા ગેરકાયદે લાકડા ભરેલ ટ્રકને શહેરા પરિક્ષેત્ર વન અધિકારીની કચેરી ખાતે લાવવામાં આવી હતી.વન વિભાગે લાકડા અને ટ્રક સહિત અંદાજિત રૂ.3 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, વન વિભાગના આર.એફ.ઓ રોહિત પટેલ દ્વારા શિયાળાની ઋતુની શરૂઆતથી આજ દિન સુધીમાં લાકડાની બે નંબરી હેરાફેરી અટકાવીને કડક કાર્યવાહી હાથ ધરીને 15 કરતા વધુ ગેરકાયદે લાકડા ભરેલા વાહનો પકડી પાડયા હતા.