શહેરાના મોર ઉંડારા થી રમજીની નાળ રસ્તા ઉપર વન વિભાગે ગેરકાયદેસર લાકડાં ભરેલ ટ્રેકટરને ઝડપ્યું

શહેરા,શહેરાના મોર ઊંડારા થી રમજીની નાળ તરફ જતા રસ્તા ઉપર થી વન વિભાગ એ બે નંબરી લાકડા ભરેલ ટ્રેકટરને ઝડપી પાડ્યું હતું. તાલુકા ફોરેસ્ટ કચેરી દ્વારા બે નંબરી લાકડાની હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓએ આર.એફ.ઓ.- રોહિત પટેલ સહિત તમામ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.

શહેરા તાલુકામાં વૃક્ષોનું નિકંદન થતું અટકાવવા માટે વન વિભાગના આર.એફ.ઓ રોહિત પટેલ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે. જ્યારે મોર ઊંડારા ગામ પાસે કે.એસ.પટેલ, આર.એસ.ચૌહાણ, જે.વી.પુવાર તેમજ કે.આર.બારીયા અને એમ.જી.ડામોર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. ત્યારે લીલા તાજા પંચરાઉ લાકડા ભરેલ ટ્રેક્ટર આવતા તેને ઉભુ રખાવીને ચાલક પાસે પાસ પરમિટ માંગતા નહી હોવાનું જણાવતા બે નંબરી લાકડા ભરેલ ટ્રેકટરને કચેરી ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રેક્ટર માં ભરેલ લાકડા ક્યાંથી ભર્યા અને ક્યાં લઈ જવામાં આવી રહયા હતા. તે દિશામાં વન વિભાગ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. વન વિભાગ એ લાકડા અને ટ્રેક્ટર મળીને અંદાજીત રૂપિયા ત્રણ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. જોકે, વન વિભાગની એક સારી કામગીરી લાકડાની ચોરી થતી અટકાવવા માટે જોવા મળી રહી હોય ત્યારે પર્યાવરણ પ્રેમીઓ પણ આર.એફ.ઓ રોહિત પટેલ સહિત સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.