શહેરાના મીરાપુર ગામે ખેતર માંથી વન વિભાગે 6 ફુટના મગરને પકડયો

શહેરાના મીરાપુર ગામના ખેતર માંથી વન વિભાગએ આશરે છ ફૂટ લંબાઈ ધરાવતા મગરને પકડી પાડ્યો હતો. ખેતરમાં મગર જોવા મળતા ખેડૂતોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

શહેરા તાલુકાના મીરાપુર ગામ ખાતે રહેતા ભવાનભાઈ પગીના ખેતરમાં મગર એ દેખા દેતા ત્યાં કામ કરતા ખેત મજૂરોમાં ફફડાટ ફેલાયો હતો. ખેડૂત દ્વારા ખેતરમાં મગર હોવાની જાણ તાલુકા વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલને કરવામાં આવી હતી. ખેડૂતના ખેતર ખાતે વન વિભાગના આર.એસ.ચૌહાણ, કે.આર.બારીયા, જી. ટી.પરમાર તેમજ એમ.જી.ડામોર અને વિજયભાઈ ડ્રાઇવર સહિતનો સ્ટાફ મગરને પકડવા માટે ની કામગીરીમાં લાગી ગયા હતા. ખેડૂતના ખેતરમાં પાણી હોવાથી મગર પકડમાં આવી રહ્યો ન હતો. વન વિભાગના સ્ટાફે ભારે જહેમત બાદ ખેતર માંથી આશરે 6 ફૂટ લંબાઈ ધરાવતા મગર ને પકડી પાડીને સુરક્ષિત ગોમા નદીમાં છોડી મૂકવામાં આવ્યો હતો. જ્યારે ખેતરમાં મગર જોવા મળ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.