શહેરા, શહેરામાં લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. કાંકરી ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ માં મદદનીશ ચૂંટણી અધિકારી પ્રણવ વિજયવર્ગીયની ઉપસ્થિતિમાં તજજ્ઞોની ટીમ દ્વારા ચુંટણીના દિવસે 286મતદાન મથકમાં ફરજ બજાવનાર સ્ટાફને તાલીમ આપવામા આવી હતી.
પંચમહાલમાં લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. લોકસભાની ચૂંટણી 7મે ના રોજ યોજાનાર હોવાથી શહેરા સરકારી વિનયન કોલેજ કાંકરી ખાતે 286 મતદાન મથકમા ફરજ બજાવનાર સ્ટાફ કામગીરીથી વાકેફ થાય તે માટે બે દિવસ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીલક્ષી તાલીમમાં ઊપસ્થિત મતદાન મથકના સ્ટાફને તજજ્ઞો દ્વારા તાલીમ દરમિયાન ઇવીએમ મશીન કઈ રીતે ઓપરેટ કરવું તે સહિત વૈધાનિક અને બિનવૈધાનિક બાબતોની સમજ આપીને ચાલુ મતદાન વખતે કરવામાં આવતી કામગીરી અંગેની સંપૂર્ણ સમજ આપવામા આવી હતી. મદદનીશ ચૂંટણી અધિકારી પ્રણવ વિજયવર્ગીય અને મામલતદાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા લોકસભાની ચૂંટણીના દિવસે ફરજ બજાવનાર મતદાન મથક પરના સ્ટાફ ને માર્ગદર્શન સાથે જરૂરી સુચનાઓ પણ તેઓ દ્વારા આપવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી ની રંગત જામી હોય ત્યારે ભાજપ દ્વારા રાજપાલસિંહ ને અને કોંગ્રેસ પક્ષ દ્વારા ગુલાબસિંહ ને ચૂંટણી મેદાનમાં ઉતારવા સાથે આ લોકસભાની બેઠક ઉપર ભાજપનો દબદબો રહેલો હોય ત્યારે કોંગ્રેસ પક્ષ આ વખતની ચૂંટણીમાં જીતવા માટે એડી ચોટીનું જોર લગાવે તો નવાઈ નહી.