શહેરાના ખરોલી પાસેનો વણાંકબોરી વિયર ડેમ ઓવરફલો થતાં સહેલાણી ઉમટયા

કડાણા ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાતા શહેરા તાલુકાના ખરોલી પાસેનો વણાંકબોરી વિયર ડેમ ઓવર ફ્લો થતાં ડેમનો નજારો જોવા માટે સહેલાણીઓ ઉમટ્યા.

સતત વરસી રહેલા ભારેથી અતિભારે વરસાદને પગલે મહીસાગર જીલ્લાના કડાણા ડેમમાં પાણીની સારી એવી આવક થવાને લઈને કડાણા ડેમમાંથી મોટીમાત્રામાં પાણી છોડાતા પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખરોલી ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદી પરનો વણાંકબોરી વિયર ડેમ ઓવરફ્લો થયો હતો. વણાંકબોરી વિયર ડેમ ઓવરફ્લો થતાં પાણીના ધસમસતા પ્રવાહથી ડેમ પર નયનરમ્ય દ્રશ્યો સર્જાતા વણાંકબોરી વિયરનો નજારો જોવા માટે ખરોલી ગામ સહિત આસપાસના વિસ્તારમાંથી સહેલાણીઓ ઉમટ્યા હતાં, તો બીજી તરફ કડાણા ડેમમાંથી તબક્કાવાર લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા મહીસાગર નદી કાંઠા વિસ્તારમાં આવેલ શહેરા, ગોધરા અને લુણાવાડા તેમજ અન્ય અસરગ્રસ્તો ગામોને સાવચેત રહેવાની નદી કિનારે નહીં જવાની તંત્ર દ્વારા સૂચના અપાઇ છે, તો કડાણા ડેમ માંથી છોડાયેલું પાણી મહીસાગર નદીમાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહેતી થતાં નદી કાંઠા વિસ્તારના શહેરા તાલુકાના કેટલાક ગામોના ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાઇ જતાં ખેતી પાકને મોટાપાયે નુક્શાન પહોંચ્યું હતું.