શહેરાના જુની વાડી ગામના રસ્તા ઉપર કાદવ-કિચડને લઈ વાહનચાલકો અને ગ્રામજનો પરેશાન

શહેરા ના જુની વાડી ગામના અવર જવાના મહત્વના રસ્તા ઉપર કાદવ કીચડ ના કારણે વાહન ચાલકો સહિત ગ્રામજનો હેરાન પરેશાન છે. સંબંધિત તંત્ર દ્વારા રસ્તાની મરામત સાથે ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવે એવી આશા ગ્રામજનો રાખી રહ્યા હતા.

શહેરા તાલુકાના જૂની વાડી થી જુના વલ્લભપુર તરફ જતા ડામર રસ્તા ઊપર કાદવ-કીચડ હોવાથી વાહનચાલકો સહિત રાહદારીઓ ને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રસ્તા ઉપર મસ મોટા ખાડાઓમાં પાણી ભરાઈ રહેવા સાથે કાદવ કીચડના કારણે અમુક બાઈક સ્લીપ ખાઈ જતા બાઈક ને નુકશાન પણ થતુ હોય તેમ છતાં સબંધિત તંત્ર આ રસ્તાની કામગીરી નહીં કરતા સ્થાનિક ગ્રામજનો નો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.

આ ડામર રસ્તા પરના મોટા ખાડાઓ પુરવા સાથે કાદવ કીચડ દૂર કરવામાં આવે એવી આશા પસાર થતા રાહદારીઓ રાખી રહ્યા હતા. અમુક સમયે તો અહીંથી પસાર થતી વખતે કોઈ વાહન ચાલક વધુ સ્પીડે વાહન લઇ નીકળતા ચાલતા જતા વ્યક્તિ પર કાદવ કીચડ ના છાંટા ઉડતા કપડાં પણ બગડતા હોય છે.રસ્તા ઉપર જોવા મળતા દ્રશ્યો પરથી સંબંધિત તંત્ર તાત્કાલિક કાદવ કીચડ નું સામ્રાજ્ય દૂર કરે એ જરૂર બની રહયું છે, મચ્છરો નો ઉપદ્રવ વધી રહ્યો હોય ત્યારે દવાનો છંટકાવ કરવામાં આવે એવી માંગ ગ્રામજનો માંથી ઉઠવા પામી હતી.