શહેરાના ગોકળપુરા ગામે પૂર્વ સરપંંચની હત્યામાં બે આરોપી ઝડપ્યા જ્યારે એક આરોપીને પકડવા પોલીસની બે ટીમ સૌરાષ્ટ તરફ પહોંચી

શહેરા,શહેરા તાલુકાના ગોકળપુરા ગામના પૂર્વ સરપંચની હત્યા મામલે પોલીસે ત્રણ સામે ગુનો નોંધીને બે આરોપીને બનાવના ગણતરીના કલાકોમા પકડી પાડ્યા હતા. જ્યારે ગોવિંદ ભરવાડ નામના આરોપીને પકડવા માટે સૌરાષ્ટ્ર તરફ બે ટીમો ગઈ છે. પોલીસ દ્વારા ગામની અંદર કોઈ અનિચ્છનીય ઘટના બને નહી એ માટે પોલીસ બંદોબસ્ત આગામી દિવસો સુધી રાખવામાં આવનાર છે.

શહેરા તાલુકાના ગોકળપુરા ગામ ખાતે ગાયો ચરાવવા મુદ્દે ગુરૂવારના રોજ પૂર્વ સરપંચની ત્રણ શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવતા પોલીસે ગુનો નોંધીને ચંદુ વિક્રમ ભરવાડ અને બાળ કિશોર મળીને બે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા. જ્યારે ત્રીજો આરોપી ગોવિંદ પોપટ ભરવાડને પકડવા માટે પોલીસને વધારે મહેનત કરવી પડતી હોય એમ કહી શકાય કેમ કે પોલીસ દ્વારા અલગ- અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. જોકે, પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતના જણાવ્યા અનુસાર ગોવિંદ ભરવાડને પકડવા માટે સૌરાષ્ટ્ર તરફ બે ટીમો રવાના કરવામાં આવી છે. અને ચંદુ ભરવાડના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે. પૂર્વ સરપંચની હત્યા થયા બાદ પરિવારજનો અને ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. જોકે, આ બનેલી ઘટનાથી એક પરિવારે ઘરનો મુખ્ય સભ્ય ગુમાવવો પડ્યો, તેમજ પકડાયેલ આરોપીને થોડીક ક્ષણોના ગુસ્સાના કારણે જેલના સળિયા ગણવા પડી રહેવા સાથે આરોપી ગોવિંદને પોલીસ પકડથી દૂર રહેવા સંતાઈ રહેવું પડી રહયું છે. આ બનેલા બનાવની પોલીસ દ્વારા બહુ જ ગંભીરતા લેવામાં આવી હોવાથી આરોપીના ભરવાડ ફળિયામાં તેમજ ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હજુ પણ આગામી દિવસો સુધી આ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસનો બંદોબસ્ત યથાવત રહેનાર છે. પૂર્વ સરપંચની અંતિમયાત્રામાં પોલીસ પર થયેલ પથ્થર મારાની ઘટનામાં બીજા અન્ય આરોપીઓની પોલીસ ધરપકડ કરી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. જોકે, ગામની અંદર સંપૂર્ણ શાંતિનો માહોલ હોવા સાથે પોલીસનો મોટો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે.

શહેરા તાલુકામાં જીલ્લા પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામા આવે તે પણ જરૂરી છે. જેની શરૂઆત મોરવા ગામથી કરીને આ વિસ્તારના ગ્રામજનો ની રજૂઆત જીલ્લા પોલીસ વડા સુધી લોક દરબારના માધ્યમથી પહોંચી શકે તેમ છે. વિવિધકલમો હેઠળ કયા ગુના નોંધવામાં આવતા હોય તે સહિતની મહત્વની માહિતી લોક દરબારના માધ્યમથી લોકો સુધી પહોંચી શકે તો નવાઈ નહીં. પોલીસ વિભાગ દ્વારા દરેક તાલુકામાં લોક દરબારનું આયોજન કરવામાં આવે તે પણ જરૂરી છે.