- ગ્રામજનો હેન્ડપંપના સહારે.
- પાણી પુરવઠાની અનેક યોજનાઓ છતાં પાણી નહિ મળતા તંત્ર સામે આક્રોશ.
શહેરા, શહેરા તાલુકાના ગમન બારીયા ના મુવાડા ગામ ખાતે ગઢવી ફળિયા સહિતના અન્ય વિસ્તારના ગ્રામજનો પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન થવા સાથે હેન્ડ પંપ ના સહારે હાલ પાણી મેળવી રહ્યા છે. પાણી પુરવઠાની અનેક યોજના હોવા છતાં આ ગામના ગ્રામજનોને હાલમાં જરૂરિયાત મુજબ પાણી નહિ મળતા તંત્ર સામે આક્રોશ જોવા મળવા સાથે ખેડૂતો અને પશુપાલકો પણ હાલ ચિંતિત થઈ ઉઠ્યા હતા.
શહેરા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર આવેલ ગમન બારીયાના મુવાડા ગામની વસ્તી અંદાજિત 3000 ની આસપાસ છે. પશુપાલન અને ખેતી પર નભતુ આ ગામ હોવા સાથે અહીં ખેતી માટે અને પીવાના પાણીની તકલીફ હોવાથી સ્થાનિક ગ્રામજનો હેરાન પરેશાન છે આ ગામમાં આવેલ ગઢવી ફળિયા, બારીઆ ફળીયુ, વણકર ફળિયુ તેમજ હરીજન ફળિયુ અને ખાંટ ફળિયા સહિત અન્ય વિસ્તારોમાં પણ હાલની પરિસ્થિતિમાં પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો હેડ પંપ અને કુવાના સહારે જરૂરિયાત મુજબનું પાણી મેળવી રહ્યા છે. આ ગામમાં પાણી પુરવઠાને લગતી અનેક યોજનાઓ હોવા છતાં ગ્રામજનોને પાણીની યોજનાઓનો જે લાભ મળવો જોઈએ તે નહિ મળતો હોવા સાથે પીવાના પાણી ભરવા માટે પણ હેન્ડ પંપ ખાતે જવુ પડતુ હોવાનુ ગામની મહિલા સીતાબેન ગઢવી, દેવલબેન, રાજીબેન, કમળાબેન વણકર સહિત અન્ય મહિલાઓ જણાવી રહ્યા હતા. ગામમા કૂવા ના સ્તર પણ ઊંડા જતા અમુક કૂવા પાણી વગર ખાલી ખમ જોવા મળી રહ્યા છે. સાથે તળાવમાં પણ પાણી ઓછું હોવાથી પશુપાલકો પશુઓને પાણી પીવડાવવા માટે આમતેમ ભટકી ને કે પછી હેડ પંપ ખાતે પાણી પીવડાવી રહયા છે. ગમન બારીયા મુવાડા ગામના ગ્રામજનો હેડ પંપ ખાતે પાણી ભરવા જતા હોય પણ શરૂઆતમાં પાણી આવ્યા બાદ અમુક હેડ પંપમાં થોડીવાર બાદ પાણી બંધ થઈ જતું હોય છે જ્યારે અમુક હેડ પંપ બગડી ગયેલ હોવાથી તે હેડ પંપ આ ગામના ગ્રામજનો માટે શોભાના ગાંઠિયા સમાન બની જવા પામ્યા હતા.આ ગામના ગ્રામજનોને પાણી સમસ્યા માંથી છુટકારો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા અહીં પાણીને લગતી યોજના માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવ્યા બાદ પણ ગ્રામજનોને પાણી માટે તકલીફ પડતી હોય ત્યારે સબંધિત તંત્રના સરકારી બાબૂઓની બેદરકારી ના કારણે કે પછી આ તરફ ધ્યાન ના આપવાથી યોજના જોઈએ તેટલી સાર્થક થઇ શકતી નથી.
બોક્સ :
અમારા ગઢવી ફળિયામાં પાણીની બહુ જ તકલીફ છે. હેન્ડ પંપ થી પાણી ભરી લાવીએ છીએ અને તે જ પાણી અમે પીતા હોઈએ છીએ જ્યારે પશુઓને પાણી પીવડાવવા માટે પણ હેડ પંપ પર જતા હોઈએ છીએ.
સીતાબેન ગઢવી
બોક્સ :
અમારા ગામમાં પાણીની બહુ સમસ્યા છે અને પાણીના કારણે અમે બહુ તકલીફ પડે છે. અમારે ચકલી પણ નથી. પશુઓને પણ પાણી શું પીવડાવીએ અમે જાતે જ દૂરથી પાણી ભરી લાવીએ અને પીએ છીએ જો પાણી ની તકલીફ દૂર થાય નહીં તો કલેક્ટર સાહેબને અમે બધી મહિલાઓ રજૂઆત કરવા જઈશુ.
દેવલબેન
બોક્સ :
સંભાલી ગ્રામ પંચાયતમાંથી વિભાજન થયેલ ગમન બારીયા ના મુવાડા ગામમાં ઉનાળાની શરૂઆતથી પાણીની સમસ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા હતા. પાનમ જળાશયની પાનમની પીવાના પાણીની લાઈન માંથી જે તે સમય પાણી મળતું હતું પરંતુ આ પાનમના પીવાના પાણીની લાઈન અહીં બંધ કરી દેવામાં આવતા આ ગામના ઘણા બધા વિસ્તારમાં અત્યારે પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે, કૂવા અને હેન્ડ પંપ ના પાણી ના સ્તર હાલની પરિસ્થિતિમાં ઊંડા જઈ રહયા હોવાથી પાણી ની સમસ્યા આગામી દિવસોમાં વિકટ બનતી જાય તો નવાઈ નહી.