શહેરાના ફોરેસ્ટ ટીમ દ્વારા ટીમ્બા પાટીયા થી ગમન બારીયા રોડ ઉપર પંચરાવ લાકડાના 4 વાહનો ઝડપ્યા

શહેરા, શહેરા વનવિભાગની ટીમે ટીમ્બા પાટીયા અને ગમન બારીયાના મુવાડા રોડ પરથી નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન પંચરાઉ અને ઇમારતી લાકડા ભરેલ 4 વાહનો ઝડપી પાડી ને કાર્યવાહી હાથધરી હતી.

વન વિભાગ ના આર.એફ.ઓ રોહિત પટેલ સહિતના સ્ટાફે એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળેથી લાકડા ભરેલ 4 વાહનો ઝડપી પાડી અંદાજીત રૂ.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

શહેરા વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલે લાકડા ચોરી સામે લાલઆંખ કરી એક જ દિવસમાં ગેરકાયદેસર લાકડા ભરેલ 4 વાહનોને ઝડપી પાડ્યા હતા. સોમવારની રાત્રિએ શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફીસર આર.વી. પટેલ તેમજ શહેરા વનરક્ષક એચ.કે. ગઢવી, ગુણેલી ઇ.ચા. રાઉન્ડ ફોરેસ્ટ એન.જી. સોલંકી, સાજીવાવ ઇ.ચા. રાઉન્ડ ફોરેસ્ટ એમ.જી. ડામોર, શેખપુર વનરક્ષક કે.આર. બારીયા, નવાગામ વનરક્ષક સી.સી.પટેલ સહિત વનવિભાગની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ગમન બારીયાના મુવાડા, ટીમ્બા પાટીયા રોડ પરથી લાકડા ભરેલ વાહનો પસાર થવાના છે. જે બાતમીના આધારે શહેરા વનવિભાગની ટીમે ટીમ્બા પાટિયા રોડ પરથી પસાર થતી ટ્રક નંબ ર GJ-06-T-3155 અને GJ-23-X-1111 ને ઉભી રખાવી તેમાં તપાસ કરતા એક ટ્રકમાં મહુડાના લાકડા જ્યારે બીજી ટ્રકમાં પંચરાઉ લાકડા ભરેલ હોવાનું નજરે પડતા ચાલક પાસે લાકડા અંગે આધાર પૂરાવા માંગતા ચાલકે કોઈ આધાર રજૂ ન કરતા વનવિભાગે બંને ટ્રકને ઝડપી પાડી હતી. જ્યારે ગમન બારીયાના મુવાડા રોડ ઉપર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી ટ્રક નંબર GJ-06-Y-9293 અને GJ-17-X-5338 ને ઉભી રખાવી તેમાં તપાસ કરતા તેમાં પંચરઉં લાકડા ભરેલ નજરે પડ્યા હતા. જેને લઈને વનવિભાગની ટીમે ચાલક પાસે લાકડા અંગે આધાર પૂરાવા માંગતા ચાલકે આધાર પૂરાવા રજૂ નહીં કરતા બંને ટ્રકને ઝડપી પાડી હતી. આમ, શહેરા વનવિભાગની ટીમે એક જ દિવસમાં બે અલગ અલગ સ્થળેથી પંચરાઉ અને ઇમારતી લાકડા ભરેલ 4 વાહનોને ઝડપી પાડી શહેરા વનવિભાગની કચેરીએ લાવી અંદાજીત રૂ.15 લાખનો મુદામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે શહેરા વનવિભાગની કાર્યવાહીને લઈ લાકડા ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.