શહેરા,શહેરા તાલુકાના ડોકવા ગામ ખાતે ખોડીયાર માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ પૂર્વક યોજાયો હતો. મંદિર ખાતે લોક ડાયરો સાથે અહી આવેલા ભક્તોએ પ્રસાદીનો લ્હાવો લીધો હતો.
શહેરા તાલુકાના ડોકવા ગામ ખાતે ગ્રામજનો અને ખોડીયાર માતાજીના ભક્તો દ્વારા ખોડીયાર માતાજીનું ભવ્ય મંદિર પાંચ લાખ કરતા વધુના ખર્ચે તૈયાર થતા નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના વિવિધ વિસ્તારમાં ખોડીયાર માતાજીની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. મંદિર ખાતે બે દિવસ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોડીયાર માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવા સાથે ખોડીયાર માતાજીના જય જય કારથી વાતાવરણ ગુંજી ઉઠતા ભક્તિમય માહોલ સર્જાયો હતો. મંદિર ખાતે ભવ્ય લોક ડાયરો અને માતાજીના ભક્તો ગરબા રમવા સાથે પ્રસાદી અને મહા આરતીનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં ડોકવા ગામ સહિત આજુબાજુના ગામના ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ખોડીયાર માતાજીના ભક્તો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.