શહેરા તાલુકાના ધાયકા ગામના નિશાળ ફળિયા પાસે પસાર થતાં રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ધાયકા ગામથી ધારાપુર અને છાણીપ તરફ જવાનો રસ્તો અનેક જગ્યાએ તૂટી ગયેલ હોવાથી રસ્તાની મરામત હાથ ધરવામાં આવે એવી આશા વાહન ચાલકો રાખી રહ્યા હતા. જોકે સ્થાનિક ગામ સહિત અન્ય ગામના ગ્રામજનો વાહન લઇને નીકળતાં હોય ત્યારે પાણી ભરાઈ ગયેલા રસ્તા પર ખાડો પડી જવાના કારણે વાહનને પણ નુક્શાન થતું હોવાથી છુપો રોષ સબંધિત તંત્ર સામે જોવા મળે તો નવાઈ નહી, સંબંધિત તંત્ર દ્વારા આ રસ્તાની મરામત હાથ ધરવામાં આવીને રસ્તા પર ભરાઈ ગયેલ પાણીનો નિકાલ તાત્કાલિક કરવામાં આવે તે પણ જરૂરી લાગી રહયુ છે.