શહેરાના ડેમલી તળાવ માંથી ગેરકાયદેસર મંજુરી વગર માટી અને રેતીનુંં ખનન

શહેરા, શહેરાનાં ટીબા પાટીયાથી છકડીયા તરફ જવાના માર્ગને અડીને આવેલા ડેમલી ગામના તળાવમાં પાછલા કેટલાક દિવસોથી ગેરકાયદે ખનન થઈ રહયું છે. તંત્રની મંજૂરી વગર તળાવ માંથી રેતી અને મોહરમ કાઢીને ટ્રેક્ટરો સહિતના વાહનોમાં ભરીને હેરા ફેરી થઈ રહી છે. તળાવમાં આડેધડ ખોદકામ કરતા મોટા ખાડાઓ પણ પડી ગયા હોય ત્યારે અહી કોઈ બાળક કે મોટો વ્યક્તિ ન્હાવા પડે ત્યારે ઘટના બને તેવી શક્યતા હોવા સાથે સંબંધિત તંત્ર આ સામે કાર્યવાહી કરવામાં ખચકાઇ રહયુ તેમ લાગી રહયુ છે.

શહેરાના ટીબા પાટીયાથી છકડિયા તરફ જવાના માર્ગ ઉપર આવેલા ડેમલી ગામના મુખ્ય તળાવમાં પાછલા કેટલાક દિવસોથી ગેરકાયદે ખનન થઈ રહ્યું છે. ગ્રામ પંચાયતની કચેરીની નજીકમાં આ તળાવ આવેલુ હોવા સાથે તળાવની અંદર 20 કરતાં વધુ ટ્રેક્ટર સહિતના વાહનોમાં રેતી અને મોહરમ ભરીને હેરાફેરી થતી હોય છે. રસ્તાને અડીને આવેલ આ તળાવ માંથી દિવસ અને રાત્રિ દરમિયાન મોટા પાયે ગેરકાયદે ખનન થતું હોવાથી આ તળાવની સુંદરતામાં પણ ઘટાડો થતો જોવા મળી રહ્યો હતો. આ ડેમલી ગામનુ મુખ્ય તળાવ 50 વીઘા કરતા મોટું હોવા સાથે પાણીનો જથ્થો હોવાથી પશુપાલકો પણ પોતાના પશુઓને પાણી પીવડાવવા માટે અહીં આવતા હોય છે. જ્યારે ખનીજ ચોરો દ્વારા આ તળાવમાં મસમોટા ઊંડા ખાડાઓ પાડી દીધા હોય ત્યારે અહી બાળક કે મોટુ વ્યક્તિ ન્હાવા પડે ત્યારે ઘટના પણ બની શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ અહી થઈ રહયુ હોય તેમ કહી શકીએ તો નવાઈ નહી. રસ્તા ને અડીને આવેલ આ તળાવમાંથી લીઝ નહિ હોવા છંતા બેરોકટોક મોટા માથાઓ દ્વારા રેતી અને મોહરમ કાઢવામાં આવી રહી હોય ત્યારે સબંધિત તંત્રના છુપા આશીર્વાદ તો નથી કે શું? આ તળાવમાં અને આ ગામના આજુબાજુ વિસ્તારમાં આવેલ નદી અને કોતરમાં રેતી અને મોહરમ કાઢીને ખનીજચોર સરકારી તિજોરી ને નુક્શાન પહોંચાડી રહયા છે. ત્યારે જવાબદાર તંત્ર ને તેમના ઉચ્ચ અધિકારીઓ આદેશ કરે ત્યારબાદ અહીં કાર્યવાહી કરશે એવુ લાગી રહયુ છે. તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ખનીજ ચોરી વધતી જતી હોય તેમ છતાં સ્થાનિક અને જીલ્લાનું જે જવાબદાર ખાણ ખનીજ વિભાગ કુણ નદી, ડેમલી તળાવ, ઉમરપુર ગામ પાસે પસાર થતી નદી તેમજ છોગાળાના ગામની આજુબાજુ વિસ્તારમાં સફેદ પથ્થરો જમીનમાંથી કાઢવામાં આવી રહયા હોય તે સામે અસરકારક કાર્યવાહી ક્યારે કરશે એ તો જોવું જ બન્યું છે.