શહેરા,
શહેરા તાલુકાના બોરીયા ગામમાં પાણી વગરના ખાલી કૂવામાં બે નીલગાય અંદર પડી ગઈ હતી. વન વિભાગે રેસ્ક્યું કરીને ત્રણ કલાકની મહેનત બાદ બે નિલગાયનો જીવ બચી શક્યો હતો.
પંચમહાલના શહેરા તાલુકાના બોરીયા ગામમાં રહેતા પ્રતાપ તાવિયાડના માલિકીના ખેતરમાં આવેલ ખાલી કૂવામાં બે નીલગાય અંદર પડી ગઈ હતી. ત્યાંથી પસાર થતા ખેડૂતને કુવાની અંદર પડી ગયેલ બે નીલગાય જોવા મળતા તેઓએ શહેરા વન વિભાગ રેન્જના આર.એફ.ઓ. રોહિત પટેલને જાણ કરી હતી. આર.એફ.ઓ. રોહિત પટેલ એ આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલીક રાઉન્ડ ફોરેસ્ટર કે.એસ.પટેલ, બીટગાર્ડ કે.ડી.ગઢવી, બી. ડી. ઝરવરિયા તેમજ બી.પી.દામા સહિતનો સ્ટાફ સ્થળ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. પાણી વગરના ખાલી કુવા માંથી નીલગાયને બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરેલ હતી. વન વિભાગના સ્ટાફ અને સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ બે નીલગાયને સુરક્ષિત કૂવા માંથી બહાર કાઢીને જંગલમાં છોડી મુકાઇ હતી. જોકે, આ નિલગાય જંગલ માંથી ફરતી ફરતી અહી આવી હોવાનું જાણવા મળ્યું હતું. વન વિભાગની ત્રણ કલાકની મહેનત બાદ બે નિલગાયનો જીવ બચી ગયો હોવાથી વન વિભાગની સારી કામગીરીને લોકો એ બિરદાવી હતી.