
શહેરાના ભોટવા ગામના માલિકીના પાણી ભરેલા કુવામાં આશરે 5 ફૂટ લંબાઈ ધરાવતા મગરને અમદાવાદની ભારતીય ડિઝાસ્ટર રેસ્ક્યૂ રિસ્પોન્સર કોર્પ્સ ટીમે બે દિવસની મહામહેનતે રેસ્કયુ કરીને બહાર કાઢીને ગુણેલીના તળાવમાં છોડી મુકેલ હતો. રેસ્કયુ ટીમે કૂવામાં બહાર કાઢેલા પાંચ ફૂટ ના મગર ને જોવા લોકટોળા ઉમટી પડયા હતા.
શહેરા તાલુકાના આવેલા ગ્રામીણ વિસ્તારોમા તળાવોમા મગરોની વસ્તી છે. આ મગરો ઘણીવાર ખોરાકની શોધમાં રહેણાક વિસ્તારમા આવી જતા હોય છે.તાલુકાના ભોટવા ગામના પટેલ ફળિયામા રહેતા અર્જુનભાઈ નાનાભાઈના ખેતરમાં આવેલા પાણી ભરેલા 40ફૂટ ઊંડા કૂવામાં અચાનક મગર જોવા મળ્યો હતો. મગર પાણીમાં વધુ તાકાત ધરાવતો હોવાથી મગર ને પકડી પાડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદથી આવેલ ભારતીય ડિઝાસ્ટર રેસ્ક્યૂ રિસ્પોન્સર કોર્પ્સ ટીમ દ્વારા મગરને બહાર કાઢવામા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હતુ.જેમાં બે દિવસની મહેનત બાદ મગરને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને વન વિભાગને સોપવામા આવ્યો હતો. વન વિભાગ દ્વારા મગરને ગુણેલી ના મુખ્ય તળાવમા સલામત સ્થળે છોડી મુકવામા આવ્યો હતો. મગર કુવામા હોવાનુ જાણવા મળતા આસપાસના સ્થાનિક લોકો પણ મગરને જોવા ઉમટી પડ્યા હતા.
રિપોર્ટર : તુષાર દરજી