શહેરા, પંચમહાલ જિલ્લામાં સરકાર દ્વારા પાનમ સિંચાઈ યોજના હેઠળ પાનમ ડેમના પાણીનો સિંચાઈનો લાભ મળી રહે તે માટે ગામના તળાવમાં પાણી ખાલી કરી સિંચાઈમાં ઉપયોગ લેવા માટે કામ કરવામાં આવી રહ્યુ છે. જેમાં પાનમ ડેમથી ભેસાલ ગામે એક ઈજારદાર દ્વારા પાઇપલાઈન નાંખવાનુ કામ ચાલી રહ્યુ છે. જેમાં રોડ પર કોન્ટ્રાકટર દ્વારા કટ મારવામાં આવ્યો હતો. તે દરમિયાન રોડ ઉપર મોટો ખાડો કરી પાઈપને ડમ્પ કરવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા કોઈપણ પ્રકારનો બેરીકેટ કે કોઈ સાવચેતી બોર્ડ મારવામાં આવ્યુ ન હતુ. જેના કારણે રાત્રિના સમયે શહેરા તરફથી બે યુવાનો બાઈક લઈને ભેસાલ ગામે આવી રહ્યા હતા દરમિયાન રોડ પર કોન્ટ્રાકટર દ્વારા કરેલા ખાડામાં બંને યુવાનો બાઈક સાથે ખાબકયા હતા. જેમાં બંને યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક શહેરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે આગળ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની હાલત વધુ ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે. આ અકસ્માત જો કોન્ટ્રાકટર દ્વારા કોઈ બેરીકેટ કે સાવચેતી બોર્ડ મારવામાં આવ્યુ હોત તો આવી કોઈ ધટના નિવારી શકાત.
નોંધનીય છે કે,આ પ્રકારના ઈજારદારો આ પ્રકારના સાવચેતી બોર્ડ લગાવ્યા વિના આવુ કામ કરતા હોય ત્યારે સંબંધિત જવાબદાર તંત્ર દ્વારા તેઓ સામે કાયદાકિય પગલા લઈ શકય હોય તો તેઓની સામે દંડનાત્મક કાર્યવાહી પણ કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.