શહેરાના અણીયાદ ગામે લગ્ન પ્રસંગમાં મોટા અવાજે ડી.જે. વગાડવા મામલે સામાજીક કાર્યકરે ફરિયાદ નોંધાવી

શહેરા, શહેરાના અણીયાદ ગામના લક્ષ્મણપુરા ફળિયામાં લગ્ન પ્રસંગે મોટા અવાજે ડીજે વગાડવા બાબતે સામાજીક કાર્યકર દ્વારા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે રાત્રિના સમયે ડીજે બંધ કરાવી દીધા બાદ સામાજીક કાર્યકર પ્રવીણ પારગીના ઘર આગળ 40 થી 50 લોકો એ કિકિયારીઓ કરીને અપ શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

શહેરા તાલુકાના અણીયાદ ગામના લક્ષ્મણપુરા ફળિયામાં રહેતા બારીયા દિપસિંહ ભોપતના ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી રાત્રિના સમયે મોટા અવાજે ડીજે સિસ્ટમ પર ગીતો વાગી રહ્યા હોવાથી પ્રવીણ પારગી અને તેમના પરીવારના સભ્યોને ઉઘવામાં તકલીફ પડતી હોવાથી તેઓ દ્વારા કંટ્રોલ રૂમને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. સામાજીક કાર્યકર પ્રવીણ પારગીએ પોલીસ કંટ્રોલ રૂમ ગોધરાને ફોન કરતા પોલીસ ગામ ખાતે આવી પહોંચી હતી. લગ્ન પ્રસંગમાં આવેલ અનેક લોકો ડીજેના સિસ્ટમ પર ખુશીથી નાચી રહ્યા હતા. ત્યારે પોલીસે ડીજે બંધ કરાવી દીધું હતું. સામાજીક કાર્યકર પ્રવીણ પારગીના ઘર આગળ 40 થી 50 લોકો દ્વારા કિકિયારીઓ કરીને ર્માં-બેન સામેની ગાળો બોલવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામાજીક કાર્યકર પ્રવીણ પારગી પોલીસ મથક ખાતે આવી પહોંચીને બનેલા બનાવની સમગ્ર હકીકત પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુતને જણાવી હતી. આ ઉપરોક્ત બનેલ બનાવને લઈને પોલીસ મથક ખાતે સામાજીક કાર્યકર પ્રવીણ પારગી એ ફરિયાદ નોંધાવતા પોલીસે દીપસિંહ બારીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જોકે, લગ્ન પ્રસંગમાં ખાસ કરીને ડીજેની માંગ વધુ હોવા સાથે મોટા અવાજના કારણે ઘણી વખત કાચા માટીના ઘરોને પણ નુકશાન જવાની સંભાવના રહેલી હોય તેમજ દૂર દૂર સુધી આનો અવાજ પહોંચતો હોય એના કારણે અનેક લોકો હેરાન પરેશાન થતા હોય તો નવાઈ નહી.