શહેરાના આંબાજેટી ગામે કુણ નદીમાં ખાણ ખનિજ વિભાગે રેઈડ કરી રેતી ખનન કરતાં જેસીબી ઝડપી 35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

શહેરા, શહેરાના આંબાજેટી પાસે પસાર થતી કુણ નદીમા ખાણ ખનીજ વિભાગ એ કાર્યવાહી હાથધરી ને લિઝ નહી હોવા છતાં રેતી કાઢી રહેલ જેસીબી મશીન પકડી પાડીને આશરે 35લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કુણ નદીમાં થતી ખનીજ ચોરી અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે.

શહેરા તાલુકાના ઉમરપુર, ખોડા ગામ પાસે પસાર થતી કુણ નદીમાં મોટા પાયે રેતી ખનન ને લઈને જીલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ કુણ નદી ખાતે તપાસ હાથધરી હતી. જ્યારે આંબાજેટી થી થોડે દૂર કુણ નદીના પટમાં લીઝ નહી હોવા છતાં રેતી કાઢી રહેલ જેસીબી મશીન ને ખાણ ખનિજ વિભાગની ટીમ એ પકડી પાડીને ગોધરા જીલ્લા કલેકટર કચેરી ખાતે લઈ જઈને આશરે રૂપિયા 35લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.જોકે કુણ નદીમાં મોટા પાયે રેતી ખનન થતુ હોવા છતાં ખાણ ખનીજ વિભાગે એક માત્ર જેસીબી મશીન પકડી પાડીને સંતોષ માણી રહયા હોય એવુ લાગી રહયુ છે. ખનીજ ચોરો એ નદીમાં આડેધડ મસમોટા ખાડાઓ પાડી દેવા સાથે નદીને નુકશાન પહોંચાડી રહયા હોય તેમ છતાં આ સામે અસરકારક કાર્યવાહી સ્થાનિક મામલતદાર અને જીલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવે તે પણ જરૂરી લાગી રહયુ હોય એમ કહીએ તો નવાઈ નહી,કુણ નદીમાં દિવસ અને રાત્રી દરમિયાન ખનીજ ચોરો રેતી કાઢીને ટ્રેક્ટર, હાઈવા સહિતના વાહનોમાં રેતી ભરીને રોયલ્ટી પાસ વગર હેરાફેરી કરતા હોય ત્યારે આ ખનીજ ચોરી થતી અટકે એ માટે સબંધિત તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી કરવામાં આવે તો સરકારી તિજોરી ને અને નદીને નુકશાન કરતાં ખનીજ માફીયાઓ માં ફફડાટ ફેલાય અને ખનીજ ચોરી થતી અટકી શકે તેમ છે.