શહેરાના આંંબાજેટી અને ભેંસાલ ગામેથી ખાણ-ખનિજ વિભાગે સફેદ પથ્થર અને રેતી ભરેલ બે ટ્રેકટર મળી 10 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

શહેરા, શહેરાના આંબાજેટી અને ભેંસાલ ગામ પાસેથી ખાણ ખનીજ વિભાગે રોયલ્ટી પાસ વગર હેરાફેરી કરતા રેતી અને સફેદ પથ્થર ભરેલા ટ્રેક્ટર ઝડપી પાડયા હતા. ખાણ ખનીજ વિભાગ દ્વારા 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરાના આંબાજેટી પાસે પસાર થતી કુણ નદીમાં અને આજુબાજુ માં આવેલી જમીન માંથી રેતી કાઢીને તેમજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી સફેદ પથ્થર લિઝ નહીં હોવા છતાં કાઢીને ખનીજ ચોરો વાહનોમાં હેરાફેરી કરતા હોવાની માહિતી ખાણ ખનીજ વિભાગને મળેલ હતી. ખાણ ખનીજ વિભાગને મળેલ માહિતીના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ સહિતની ટીમ તાલુકાના વિસ્તારમાં ખનીજ ચોરી અટકાવવા માટે નીકળ્યા હતા. ભેંસાલ ગામ પાસેથી સફેદ પથ્થર ભરેલ ટ્રેક્ટર અને તાલુકાના આંબાજેટી ગામ પાસેથી રેતી ભરેલ ટ્રેક્ટર ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા હતા. ગેરકાયદે રેતી અને સફેદ પથ્થર ભરેલ બન્ને ટ્રેકટરને મામલતદાર કચેરી ખાતે લાવીને રૂપિયા દસ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને જરૂરી કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવવા સાથે વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આંબાજેટી, ઉમરપુર,ખોડા કુણ નદી તેમજ નદીને અડીને આવેલી જમીનમાંથી રેતીનું ખનન મોટા પાયે થતુ હોય ત્યારે સ્થાનિક તંત્ર અને ખાણ ખનિજ વિભાગ આ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવે તો ખનીજ ચોરી અટકી શકે તો નવાઈ નહી.