![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/12/IMG-20231219-WA0044-1024x461.jpg)
શહેરા, શહેરા તાલુકાની મોરવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કિરીટભાઇ બારીઆ વિરૂદ્ધ કરાયેલ અવિશ્ર્વાસની દરખાસ્તને લઈ ગ્રામ પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા સરપંચના અધ્યક્ષ સ્થાને બોલાવાઈ હતી. જેમાં ગ્રામ પંચાયતના સરપંચ તેમજ બે સભ્યો હાજર રહેતા બહુમતી ના થવાથી ડેપ્યુટી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ન હતી.
શહેરા તાલુકાની મોરવા ગ્રામ પંચાયતના સરપંચ સહિત પાંચ જેટલા સભ્યો દ્વારા ગત તા. 5 ડિસેમ્બર ના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવીને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કિરીટભાઇ બારીયાના વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં મોરવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં અડચણ કરવા બાબત સહિતના અન્ય મુદ્દા નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે મંગળવારના ના રોજ મોરવા ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી અલ્પેશ પટેલ અને જીમીત ચૌહાણની ઉપસ્થિતિમાં સરપંચ સુમિત્રાબેન મહેશભાઈના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતના સરપંચ સુમિત્રાબેન તેમજ ગ્રામ પંચાયતના સભ્યો પટેલ અશ્વિનભાઈ અને સોલંકી હંસાબેન હાજર જોવા મળતા છ સભ્યોની ગેરહાજરી હોવાથી બહુમતી નહીં મળવાથી અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થવા સાથે અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો. આમ, મોરવા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભામાં ઉપ સરપંચ સામે કરાયેલ અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થતા ઉપસરપંચ કિરીટભાઈ બારીયાના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી હતી. જોકે, ગ્રામ પંચાયતના ઉપસરપંચના વિરોધમાં સરપંચ સહિતના સભ્યોએ કરેલ અવિશ્વાસની દરખાસ્ત પસાર નહી થતા સ્થાનિક ગામમાં અને રાજકીય ક્ષેત્રે પણ ભારે ચર્ચાનો મુદ્દો આ બની જવા પામ્યો હતો.