![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2022/12/20221023_145737-1024x768.jpg)
- હાઈવે માર્ગ ઉપર કાદવ-કીચડ થતાંં અકસ્માતનો ભય.
શહેરા,
શહેરા માર્કેટીંગ યાર્ડ પાસે પાછલા એક મહિનાથી પાણીની લાઈન લીકેજ હોવાથી હજારો લિટર પાણીનો વેડફાટ થવા સાથે હાઇવે માર્ગ ઉપર કાદવ-કીચડ થઈ જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહયો છે. પાનમના પીવાના પાણીની લાઈનનું લીકેજની કામગીરી યોગ્ય રીતે નહી થતા છાશવારે લીકેજ થતા તંત્ર સામે અનેક સવાલો પણ ઉઠી રહયા છે.
પાનમના પીવાના પાણીની લાઈન પાનમ જળાશય થી ગોધરા સુધી એટલે અંદાજિત 40 કિ.મી સુધી લાબી છે. આ પાનમની પીવાના પાણીની લાઈન શહેરા નગર અને ગોધરાની પંચામૃત ડેરી સાથે 52 જેટલા ગામોને બારે માસ પીવા માટે પાણી પુરૂ પાડે છે. પાછલા કેટલાક મહિનાઓ થી અનેક જગ્યાએ પાનમની પીવાના પાણીની લાઇન લીકેજ હોવાના કારણે પાણીનો વેડફાટ થતો અટકી શક્યો નથી. હાલમાં શહેરા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર માર્કેટીંગયાર્ડ પાસે વાહનોથી સતત ધમધમતો હાઇવે માર્ગ ઉપર પાનમની પાણીની લાઈન લીકેજ હોવાથી થોડા દિવસો પહેલા આ લીકેજ પાણીની લાઈનની મરામત કરવામાં આવ્યા બાદ ફરીથી અહી પીવાના પાણીની લાઈન લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફાટ પાછલા ચાર દિવસથી થઈ રહ્યો છે. એક તરફ પાનમના પીવાના પાણીની લાઈન માંથી ચોખ્ખું પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો હોય ત્યારે બીજી તરફ શહેરા નગર વિસ્તારના નગરજનોને પીવાનું પાણી અનિયમિત મળતા પાણી માટે આમતેમ ભટકવું પડતું હોય છે. આ હાઇવે માર્ગ દિલ્હી- બોમ્બને જોડતો હોવાથી રાત્રી અને દિવસ દરમિયાન એક હજાર કરતાં વધુ વાહનો પસાર થતા હોય છે. હાઇવે માર્ગ ઉપર કાદવ કીચડ જોવા મળતા કોઈ મોટી ઘટના અહી બને તે પહેલા સબંધિત તંત્ર આ બાબતે ગંભીરતા લેવી જોઈએ તે અત્યંત જરૂરી છે. અહી કોઈ સૂચક બોર્ડ પણ મૂકવામાં આવેલ નથી. પાણી પુરવઠા વિભાગ લીકેજ પાણીની લાઈન ની મરામત તાત્કાલિક કરવામાં આવે જેથી પાણીનો વેડફાટ થતો અટકી શકે તેમ છે.
બોક્સ.,..
પાનમ જળાશયમાં પાણીનો જથ્થો અંદાજિત 44%ની આસપાસ હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે અપાતું પાણી પણ પાનમ સિંચાઈ વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. જ્યારે પીવાના પાણીની લાઈન માર્કેટીંગયાર્ડ પાસે તેમજ અનેક જગ્યાએ પાણીની લાઈન લીકેજ હોવાથી તેમાંથી પાણીનો વેડફાટ થતો જોવા મળતા ત્યાંથી પસાર થતા લોકોમાં સબંધિત તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો હતો. પાણી બચાવો…. જળ એ જીવન તેવા સૂત્રો કચેરીના ભીંત પર લખેલા જોવા મળતા હોય ત્યારે સબંધિત તંત્રના સરકારી બાબુઓ આ સૂત્રને સાર્થક થાય તે માટે પોતાની નૈતિક ફરજ બજાવે તે પણ જરૂરી છે.