શહેરા, અગ્નિકાંડ બાદ શહેરાનું પાલિકા અને મામલતદાર કચેરીનું તંત્ર જાગેલું જોવા મળી રહ્યું હતું. નગર વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણી પાલિકા અને મામલતદારની ટીમ દ્વારા કરવામાં આવતા નાડા રોડ ઉપર આવેલી ભવાની સો મીલ લાકડાના પીઠા સહિત અન્ય બે એકમોને ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી સીલ કરીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.
શહેરામાં ફાયર સેફટીના નિયમોની કડક અમલવારી માટે તંત્ર આકરા પાણીએ થયું છે. નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ, મામલતદાર કચેરીના સર્કલ ભાવેશ પરમાર સહિતની ટીમ દ્વારા પાછલા બે દિવસથી ફાયર સેફ્ટીના સાધનો વગર ધમધમતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જ્યારે શનિવારના રોજ નગરના નાડા રોડ પર બેંક અને મંદિરની બાજુમાં આવેલી ભવાની સો મિલમાં નગરપાલિકા અને મામલતદારની ટીમ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જોકે, ભરચક વિસ્તારમાં આ લાકડાનું પીઠું આવેલ હોય તેમ છતાં અહીં ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી પીઠાના માલિકની ઘોર બેદરકારી આ સામે જોવા મળી હતી. સબંધિત તંત્ર સામે અનેક સવાલો અહીં ઉઠે તો નવાઈ નહીં કેમકે આ વિસ્તારમાં વર્ષો જૂની આ ભવાની સો મિલ હોવા સાથે મોટી સંખ્યામાં લાકડાનો જથ્થો અહીં જોવા મળતો હોય તેમજ જે જગ્યાએ લાકડાનું પીઠું આવેલ એ જમીન એન એ નહિ હોવાનું નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ભાવેશ પરમાર પાસેથી જાણવા મળેલ હતું. ફાયર સેફટીની સુવિધાની ચકાસણીમાં અહીં અનેક નિયમોનું પાલન નહીં થતું હોવાથી ટીમ દ્વારા ભવાની સો મિલને સીલ મારીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભવાની સો મિલ નગરના નાડા રોડ ઉપર ભરચક વિસ્તારમાં હોવા સાથે સતત વાહનોની અવરજવર રહેતી હોય અને જમીન પણ એન એ કરેલ નથી એવું તંત્ર પાસેથી જાણવા મળેલ હોય ત્યારે સંબંધિત તંત્ર ની અહીં લાલિયા વાડી કહીએ કે પછી છુપા આશીર્વાદ ના કારણે આ ભવાની સો મિલ વર્ષોથી ચાલી રહી હતી કે શું ? એવા અનેક સવાલો હાલ જાગૃત નાગરિકો માં ચર્ચાઇ રહ્યા હતા . નગરપાલિકા અને મામલતદાર ની ટીમ દ્વારા અન્ય બીજા એકમોમાં પણ ફાયર સેફ્ટી અંગેની તપાસ કરતાં શિવમ નર્સિંગ ક્લાસિસ તેમજ ટ્યુશન ક્લાસીસ ને પણ સીલ કરવામાં આવતા નવીન ફાયર બોટલ લેવા માટે દોડધામ કરવા સાથે ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.