શહેરા તાલુકામાં થોડા દિવસો પહેલા પડેલા ભારે વરસાદ ના કારણે અમુક ખેડૂતોના ખેતરમાં રહેલ મકાઈ સહિતના પાકને નુકશાન જવાની શક્યતાને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જ્યારે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી. સોલંકી સહિતના જાગૃત ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપીને પવન સાથે આવેલા વરસાદના કારણે થયેલા ખેતી પાકને નુકશાનનું વહેલી તકે સર્વે કરવાની માંગ કરાઇ હતી.
શહેરા તાલુકાના વિસ્તારમાં થોડા દિવસો પહેલા પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોમાં કઈ ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો. જ્યારે પવન સાથે આવેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોના ચાયડા પાણીથી ભરાઈ જવા સાથે મકાઈ સહિત અન્ય પાક નમી જવાના કારણે નુકશાન જવાની શક્યતા ના પગલે ખેડૂતો ચિંતાતુર થઈ ઉઠ્યા છે. જોકે ખેડૂતોની અનેક આશા પર આવેલા વરસાદે પાણી ફેરવી દેતા રાજ્ય સરકાર પાસે પાક નુકશાનીને લઈને સહાયની માંગ જે તે સમયે ખેડૂતો માંથી ઉઠવા પામી હતી.
જોકે, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી સહિતના જાગૃત ખેડૂતો તાલુકા સેવા સદન કચેરી ખાતે એકત્રિત થઈને મામલતદાર ધર્મેન્દ્ર પટેલને રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ, આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વધારે વરસાદના કારણે મકાઈ, ડાંગર સહિતના પાક પડી જવાના કારણે ખેતીમાં ખેડૂતોને નુકશાન જશે. જેથી વહેલી તકે સર્વે કરીને સહાય મળે તેમજ કાચા મકાનોને પણ વરસાદથી નુકશાન થયેલ હોય જેથી તેનો પણ સર્વે કરીને નુકશાનનું વળતર આપવામાં આવે અને વડાપ્રધાન આવાસ યોજનાનો તાત્કાલિક લાભ આપવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી હતી.
તાલુકા વિસ્તારમાં વધારે વરસાદના કારણે અનેક ખેડૂતોની આશાઓ પર વરસાદે પાણી ફેરવી દીધેલ હોવાથી રાજ્ય સરકાર અને જીલ્લા કલેકટર દ્વારા ખેતીવાડી વિભાગને સર્વેની કામગીરી શરૂ કરીને વહેલી તકે પૂરી કરવા માટે આદેશ કરે એવી આશા ખેડૂતો હાલ રાખી રહ્યા છે.