શહેરા,
શહેરા તાલુકાના નાંદરવા ગામ ખાતે ભાદરવા માસના બીજા રવિવારે ઝાલા બાપજીનો ભવ્ય મેળો ભરાયો હતો. અહી જીલ્લા તેમજ અન્ય જીલ્લામાંથી મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો ઝાલા બાપાજીના દર્શન કરી પોતાના પશુઓ તંદુરસ્ત અને સ્વસ્થ રહે તે માટે બાધા લેતા હોય છે. મેળામાં આવેલા લોકો ઘરવખરી સહિતની અન્ય જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે આવેલ ઝાલા બાપજીના મંદિરે દરવર્ષે પરંપરાગત રીતે ભાદરવા માસના બીજા રવિવારે ઝાલા બાપજીનો મેળો ભરાતો હોય છે. જેમાં પશુપાલકો પોતાના પશુઓને બાધા આખડી લેવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ભાદરવા માસના બીજા રવિવારે નાંદરવા ગામના ઝાલા બાપજીના મંદિરે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ઝાલા બાપજીનો મેળો ભરાયો હતો. આ મેળામાં નાંદરવા ગામ તેમજ આસપાસના ગામો માંથી મોટી સંખ્યામાં પશુપાલકો સહિતના લોકો આવ્યા હતા. જેમાં લોકોએ મેળાની મોજમાણવાની સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની પણ ખરીદી કરતા નજરે પડ્યા હતા. ઝાલા બાપજીના દર્શનાર્થે આવેલા પશુપાલકોએ પોતાના દુધાળા પશુઓના દીર્ઘ આયુષ્ય માટે અને આખું વર્ષ દૂધ આપનારા બની રહે તે માટે ઝાલા બાપજીની પૂજા અર્ચન કરીને પોતાના પશુઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે બાધા આખડી લીધી હતી. આ મેળામાં વિવિધ પ્રકારના માટીના વાસણો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, તો મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે અહીં પૂજારી દ્વારા આપવામાં આવેલો ‘ઘી’ વાળી સુખડીનો પ્રસાદ દિવા પર ફેરવીને પશુપાલકો પોતાના પશુઓને ખવડાવતા હોય છે. જેનાથી તેમના પશુઓનું આખું વર્ષ સુખમય, દીર્ઘાયુ બની રહેતું હોવા સાથે અનેક મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની પણ માન્યતા રહેલી છે.