શહેરા,શહેરા અણીયાદ ચોકડી પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર લુણાવાડાથી શહેરા તરફ આવતી એસ.ટી. બસના એન્જિનમાં ધુમાડો નીકળતા મુસાફરોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બસના ડ્રાઈવરએ એન્જિનમાં ધુમાડો નીકળતા જોઈને તુરત બસને રોડની સાઈડમાં ઉભી રાખીને તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. જોકે, ડ્રાઈવરની સમય સૂચકતા થી મોટી ઘટના બનતી અટકી ગઈ હોવા સાથે ડ્રાઇવર અને કંડકટર સહિત 30 કરતા વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ બસ લુણાવાડા થી શહેરા થઈ રેણા મોરવા તરફ જતી હોવા સાથે કોલેજના વિદ્યાર્થીઓ અને સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓ આ બસમાં અવર જવર કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે, એસ.ટી. વિભાગ દ્વારા નિયમિત બસોની મરામત બરાબર કરવામાં આવે છે કે નહીં તેમજ અમુક બસના ટાયર પણ ઘસાઈ ગયા હોવા છતાં નવા નાખવામાં નહી આવતા હોવાનું મુસાફરોમાં ચર્ચાનો મુદ્દો બન્યો હોય ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે.