શહેરા, શહેરા માંથી પસાર થતા હાઇવે ઉપર હાંસેલાવ ચોકડી પાસે ટ્રક ડ્રાઇવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ટ્રક સહિતના વાહનોના ડ્રાઇવરો રસ્તા પર ઉતરી જઈને વાહન આડુ મૂકી દેવામાં આવતા એક કિ.મી લાંબી કતારો વાહનોની જોવા મળવા સાથે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
શહેરા માંથી દિલ્હી-બોમ્બે હાઈવે માર્ગ પસાર થવા સાથે રોજિંદા નાના મોટા પાંચ હજાર કરતાં વધુ વાહનોની અવરજવર સતત રહેતી હોય છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હીટ એન્ડ રનના કાયદા ને લઈને પંચમહાલના વાહન ચાલકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી હતી. જ્યારે હાંસેલાવ ચોકડી પાસે પસાર થતા હાઇવે ઉપર ટ્રક સહિતના વાહનોના ડ્રાઇવરો દ્વારા વાહન આડુ મૂકીને કેન્દ્ર સરકારના નવા કાયદાને લઈને વિરોધ પ્રદર્શન કરતા હાઈવે ઉપર એક કિ.મી સુધી વાહનોની લાંબી કતારો જોવા મળવા સાથે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અંદાજીત એક કલાક સુધી કાર સહિતના મોટા વાહનોની લાંબી લાઈનો જોવા મળવા સાથે પોલીસને જાણ થતા સ્થળ પર આવી જઈને નવા કાયદાને લઈને વિરોધ કરતા ડ્રાઇવરોને હટાવીને વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. રામચંદ્ર સહિતના અન્ય ડ્રાઇવરોએ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રનના આ કાયદાને પાછો ખેંચવાની માંગ કરી હતી. હાલની પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારના આ કાયદાને લઈને જે રીતે ડ્રાઇવરોનો પ્રદર્શન જોવા મળી રહ્યો ત્યારે આ બાબતને લઈને કેન્દ્ર સરકાર આનો કોઈ ઉકેલ નહીં લાવે તો આવનાર દિવસોમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અવરજવર પર બ્રેક લાગવા સાથે આમ જનતા પણ હેરાન પરેશાન થઈ શકે તેમ છે.