શહેરા નગર અને તાલુકામાં ડ્રોનનું રહસ્ય અકબંધ : લોકોમાંં ડર જોવા મળ્યો

શહેરા,
શહેરા નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આકાશમાં ઉડતા ડ્રોનનું રહસ્ય અકબંધ રહેવા સાથે ઘણા બધા ગામોમાં ડરનો માહોલ છે. ભેંસાલ, સંભાલી સહિત અન્ય ગામોમાં રાત્રીએ ડ્રોન ઉડતા જોવા મળતા ગ્રામજનો વિવિધ વિસ્તારમાં લાકડી અને હાથમાં બેટરી લઈને નીકળી રહયા હતા. ગ્રામીણ વિસ્તારમાં કોઈ ગેંગ આકાશમાં ડ્રોન ઉડાવીને ડરનો માહોલ ઊભો કરીને બાળકોને ઉઠાવવા અને ચોરી કરવા આવતા હોવાની અફવા ફેલાઈ છે.

શહેરા સહિત સમગ્ર જિલ્લામા પાછલા કેટલા દિવસ થી આકાશમાં ડ્રોન કેમેરો જોવા મળી રહયા છે. જ્યારે રવિવારના રોજ પણ નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રાત્રિના સમયે આકાશમાં ડ્રોન જોવા મળતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. તાલુકાના સંભાલી, વાઘજીપુર, આંકડીયા, ભેસાલ, સુરેલી, ધાંધલપુર, લાભી સહિત અનેક ગામોમાં ડ્રોન કેમેરો આકાશમાં એક બે નહીં પણ ત્રણ જેટલા જોવા મળતા ગ્રામીણ વિસ્તારના લોકોમાં પણ કુતુહલ સર્જાવા સાથે ડરનો માહોલ હોવાનું જાણવા મળ્યું હતું. આકાશમાં ઉડતા ડ્રોનને લઈને પોલીસ તંત્ર આ સામે કાર્યવાહી કરવામાં સદ્દંતર નિષ્ફળ નિવડી રહી હોય તેવી ચર્ચાઓ લોકોમાં થવા માંડવા સાથે રાત્રિના સમયે જ ડ્રોન કેમેરો આકાશમાં જોવા મળતા હોય ત્યારે હજુ કેટલા દિવસ આજ રીતે રાત્રિના સમયે આકાશમાં ડ્રોન ઉડતા જોવા મળશે અને પ્રજાજનોમાં ડરનો માહોલ વધુ બનતો જશે તો નવાઈ નહી. તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ઉડતા ડ્રોન જે રીતે પાછલા કેટલાક દિવસોથી ગ્રામજનોને જોવા મળતા હોય ત્યારે આના પાછળનું રહસ્ય શું હશે તે તો સમય આવે જ ખબર પડશે પણ હાલ તો ગ્રામીણ વિસ્તારમાં કોઈ ગેંગ ડરનો માહોલ ઊભો કરીને ચોરી કે પછી બાળકોને ઉઠાવવા આવતી હોવાની ચર્ચાએ પણ ભારે જોર પકડ્યું છે.