શહેરા ખાતેના ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા સાથે રૂ.3.30 લાખની રકમ પરત કરવાનો શહેરા કોર્ટ દ્વારા હુકમ ફટકારવામાં આવ્યો હતો.
શહેરાના કૃપાલીબેન કંસારાએ લુણાવાડા તાલુકાના વેચાતના મુવાડા ખાતે રહેતા ભરતભાઈ પાસેથી ગાડી ખરીદી હતી. જેના પૈસા પણ કૃપાલીબેને આપી દીધા હતા. જે બાદ ભરતભાઈએ ગાડીની જરૂર હોવાનુ કહીને ત્રણ દિવસ માટે ગાડી લઈ ગયા બાદ અમારે ગાડીને લઈને ધરમાં કંકાસ થાય છે ગાડી આપવી નથી. તેમ કહીને કૃપાલીબેનને રૂ.3.80 લાખનો ચેક આપ્યો હતો. જોકે આ ચેક બેંકમાં જમા કરાવતા અપર્યાપ્ત બેલેન્સ હોવાથી રિટર્ન થયો હતો.
જે બાદ તેમણે ભરતભાઈનો સંપર્ક કરતા તેમણે થોડા સમય બાદ ચેક ફરીથી નાંખવા જણાવ્યુ હતુ. જેથી થોડા સમય બાદ કૃપાલીબેને ફરી ચેક નાંખતા તે વખતે પણ ચેક પરત ફર્યો હતો. જેથી કૃપાલીબેને શહેરા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે અંગેનો કેસ એડિ.ચીફ જયુડિ.મેજી.એસ.આર.તાપીઆવાલાની સમક્ષ ચાલવા પર આવતા તેમના વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ભરતભાઈ રાવળે કૃપાલીબેનને રૂ.50 હજાર ચુકવી આપ્યા હતા. પરંતુ બાકીના પૈસા આપ્યા ન હોવાથી કોર્ટ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફરમાવી બાકીના રૂ.3.30 લાખની રકમ પરત કરવાનો હુકમ ફટકાર્યો હતો.