શહેરામાં ભરશિયાળામાં પાલિકા દ્વારા પુરો પડાતો પાણી પુરવઠો અનિયમિત થતાં : નગરજનોને હાલાકી

શહેરા, શહેરામાં ભર શિયાળામાં નગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અપાતુ પાણી અનિયમિત મળતા નગર જનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વચલો મહોલો, કુવાવાળા, ટીમલી ફળિયા સહિત અન્ય વિસ્તારમાં જરૂરીયાત મુજબ પાણી નહી મળતા મહિલાઓને હેન્ડ પંપ નો સહારો લેવો પડી રહ્યો હતો.

શહેરા નગરમાં નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી અનિયમિત મળતા નગરજનો હેરાન-પરેશાન થઈ ગયા હતા. તળાવ ફળિયા, ટીમલી ફળિયા સહિતના અન્ય વિસ્તારોમાં ત્રણ કે ચાર દિવસે નગર પાલિકા દ્વારા નળમાં પાણી આપવામાં આવવા સાથે અમુક વખતે તો દિવસો પણ વધી જતા હોય છે પાણીની સમસ્યાને લઈને ખાસ કરીને મહિલાઓ હેરાન પરેશાન થઈ જતા પાલિકા તંત્ર સામે આક્રોશ પણ જોવા મળતો હોય છે. પાલિકાના ચીફ ઓફિસર તેમજ સત્તાધીશો નગરજનોને નિયમિત પાણી મળી રહે એ માટેનું આયોજન કરે એવી આશા નગરજનો રાખી રહ્યા હતા. નગર વિસ્તારમાં શિયાળામાં પાણીની વિકટ સમસ્યા ગંભીર ન બને તે માટે પાલિકા અને સંબંધિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ નગર વિસ્તારની મુલાકાત લઈને આ પાણી સમસ્યા વહેલી તકે હલ થાય એવું આયોજન કરવામાં આવે એ પણ અત્યંત જરૂરી હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. જિલ્લામાં આવેલ બીજી નગરપાલિકાઓમાં દિવસમાં એક વખત નગરજનો ને પાણી મળતું હોય ત્યારે શહેરા નગરપાલિકામાં અનિયમિત પાણી નગરજનોને મળતું હોય ત્યારે પાલિકા દ્વારા નગરજનોને નિયમિત પાણી મળે એ માટે ક્યારેય વિચારશે અને આ પાણી સમસ્યા ક્યારેય હલ કરશે એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે તેમ છે હાલ તો નગરપાલિકા વિસ્તારમાં આવેલ અમુક વિસ્તારના નગરજનો પાણી સમસ્યાના કારણે ભારે હાલાકી વેઠવી પડી રહી હોય અને હેડ પંપ ખાતે પાણી ભરવા માટે પડા પડીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા.