શહેરામાં હિન્દુ મહિલાની અંતિમવિધીમાં મુસ્લીમ સમાજના યુવાનો જોડાઈ માનવધર્મ નિભાવ્યો

શહેરા,
શહેરામાં કોરોના મહામારીથી પ્રજા હેરાન પરેશાન છે. ત્યારે નગરમાં એક માનવતાનુ ઊત્તમ ઉદાહરણ પુરુ પાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કોરોના થી હિન્દુ મહિલાનું મોત થતા તેની અંતિમવિધિમાં મુસ્લિમ ઘાંચી સમાજના યુવકો જોડાયા ને માનવધર્મ નિભાવ્યો હતો.

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે કોવિડ કેર સેન્ટરો માં કોવિડ દર્દીઓને ઓકસીજન સહિતની સુવિધા સાથે સારવાર પૂરી પાડવામા આવે છે. ખાસ કરીને કોવિડ દર્દીઓની સાથે બહૂ ઓછા સ્વજનો રહેતા હોય છે. નગરમાં આવેલ શુકલ ખડકીમાં રહેતા હિન્દુ મહિલા પુષ્પાબેન કોરોનાથી પીડીત હોવાથી તાલુકાની મુખ્ય રેફરલ હોસ્પીટલ ખાતે આવેેલ કોવિડ કેર સેન્ટરમાં સારવાર અર્થે દાખલ થયા હતા. કોરોના દર્દી પુષ્પાબેન નંદુભાઈ કડિયાનું સારવાર દરમિયાન પ્રાણ પંખે‚ ઉડી ગયા હતા. કોરોના થી મોત થયેલ પુષ્પા બેનના મોટા પુત્ર અલ્કેશના મિત્રો તેની મદદે આવ્યા હતા. મુસ્લીમ ઘાંચી સમાજના યુવકો ફેઝાન સલીમ,અયુબ સફીકપોચા,ઉશામા મોયુદીન,સહલ મકસૂદ,મોહમંદ હાકીમ સહિતના પાંચ યુવાનો રમઝાન મહિનો ચાલી રહયો હોવા છતાં તેઓ કોવિડ કેર સેન્ટરથી પીપી કીટ શરીરે પહેરા વગર સ્મશાન સુધી પુષ્પાબેનના મૃતદેહ ને લઇ ગયા હતા. અંતિમ સંસ્કાર પણ હિન્દુવીધી પ્રમાણે તેમના મોટા દીકરા અલ્કેશએ પાંચ મુસ્લિમ યુવકોની મદદથી કર્યા હતા. કોરોનાની મહામારીમાં સગા સબંધીઓ પણ સાથે આવતા વિચાર કરતા હોય ત્યારે મુસ્લિમ ઘાંચી સમાજના યુવાનોએ માનવધર્મનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.