શહેરા ખાતેની જી.આઈ.ડી.સી.ની સરકારી જમીનની ધારાસભ્ય દ્વારા માંગણી એન્ટ્રી કરવા સામે વાંધા અરજી

  • રાજકીય વગનો ઉપયોગ કરીને આર્થિક ઉપાર્જન પેટે માંગણી કરવામાં આવતા વિરોધ પક્ષના નેતાનો વિરોધ.
  • કોંગ્રેસ સદસ્ય જસવંતસિંહ સોલંકી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું.
  • શહેરા ધારાસભ્ય દ્વારા રાજકીય વગનો ઉપયોગ કરીને આર્થિક ઉપાર્જન પેટે માંગણી કરાયાનો આક્ષેપ.
  • બેરોજગાર યુવાનોને અન્યત્ર સ્થળાંતર રોકીને સ્થાનિક કક્ષાએ રોજગારી આપી આર્થિક પગભર કરતી એવી મહત્વકાંક્ષી જી.આઈ.ડી.સી. યોજના પડતર હોવાનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ.
  • વાડીના તાલુકા પંચાયત સભ્ય દ્વારા ધારાસભ્યને ખુલ્લેઆમ પડકાર ફેંકવામાં આવતા રાજકીયક્ષેત્રે ચર્ચાનો વિષય.

ગોધરા, ફરી એકવાર શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને વાડીના કોંગ્રેસ સદસ્ય સોલંકી જસવંંતસિંહે ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ વિરૂદ્ધ પડકાર ફેંંકીને મેદાને પડયા છે. શહેરા ખાતેની બેરોજગાર યુવાનોને અન્યત્ર સ્થળાંતર રોકીને સ્થાનિક કક્ષાએ રોજગારી આપી આર્થિક પગભર કરતી એવી મહત્વકાંક્ષી જી.આઈ.ડી.સી. માલિકીની ઉજજડ પડેલ ખાતા નંબર-1125 હસ્તકની સરકારી જમીનની શહેરા ધારાસભ્ય દ્વારા રાજકીય વગનો ઉપયોગ કરીને આર્થિક ઉપાર્જન પેટે માંગણી કરવામાં આવતા તેના વિરોધ અને વાંધા દર્શાવીને આ કોંગ્રેસ સદસ્ય દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવામાં આવતાં રાજકીયક્ષેત્રે મુદ્દો પુન: ચર્ચાને એરણે ચડયો છે.

શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને વાડીના સદસ્ય સોલંકી જસવંંતસિંહ દ્વારા કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, શહેરા તાલુકામાં આવેલ ખાતા નંબર-1125 ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની જમીન આવેલ છે અને તે જમીન સરકારએ જે તે સમયે ઔદ્યોગિક વિકાસ થાય અને જી.આઇ.ડી.સી. સ્થપાય અને તાલુકાના બેરોજગાર યુવાનોને રોજગારી મળે તેવા આશયથી મહામુલી જમીન સારા હેતુથી ફાળવવામાંં આવેલ હતી. પરંતુ હજુસુધી કોઇપણ પ્રકારના નાના ઉદ્યોગ કોઈ કારણોસર શરૂ થયેલ નથી. વધુમાં કલેકટરને જણાવતા સભ્ય જસવંતસિંહ સોલંકીએ ઉમેર્યું હતુંં કે, હજુ સુધી અહીં કોઈ ઉદ્યોગ આવ્યા નથી. તે તકનો લાભ ઉઠાવીને ધારાસભ્ય જેઠાભરવાડે 99 વર્ષના ભાડા પેટે ખાતા નંંબર 1125 વાળી જમીનની માંગણી કરેલ છે અને રેવન્યુ ડીપાર્ટમેન્ટ કચેરી, મામલતદાર કચેરી શહેરા ખાતે તા.27/09/2023 નારોજ અરજી નંંબર-8012023865170થી આ જમીનની માંગણી કરેલ છે તો આ જમીન કોઈપણ સંજોગોમાં જેઠાભાઈ ભરવાડને ન આપવા વિનંતી છે. વધુમાં આક્ષેપ સહ તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે, જેઠાભાઈ ભરવાડ પોતે જમીન લે-વેચ તથા લેન્ડ એસ્ટેટ ડેવલોપમેન્ટ નામની કંપની ધરાવતા હોય અને સરકારી સસ્તી જમીન લઈને શોપીંગ સેન્ટર, પેટ્રોલ પંપ, હોટલ જેવું બાંધકામ કરીને ઉંચા ભાવે ભાડે જમીન આપીને દર મહિને લાખો રૂપીયા કમાવવા માટે જમીન ખરીદવા માંગે છે. અગાઉ ચાંદલગઢ, શહેરા માર્કેંટીંગયાર્ડ, અમદાવાદની ઔડા સહિતના વિસ્તારોમાં જમીનો તેઓના ભાઈઓ તથા સગાંસંબધીઓના નામે લીધેલ છે. જેની પણ તપાસ થવી જરૂરી છે. આ ઉપરાંત પત્રમાં જણાવ્ય અનુસાર આ જમીન જી.આઈ.ડી.સી. બનાવીને ઉદ્યોગ કરવા માંગતા નાના-મોટા વેપારીઓને ટેન્ડર બહાર પાડીને ભાડે આપવામાં આવે તો શહેરા તાલુકામાં બેરોજગાર યુવાનોને સ્થાનિક રોજગારી મળી શકે તેમ છે. અને રોજગાર માટે આમ-તેમ ભટકતા યુવાનોને બહાર જવુંં ના પડે અને સ્થાનિકમાં જ રોજગાર મળી રહે તે હેતુથી આ જમીનમાં જી.આઈ.ડી.સી. બનાવવા કલેકટરને બેરોજગાર યુવાનો વતી આ જમીન વહેલીતકે જી.આઈ.ડી.સી.બને તેવી લેખિત રજુઆત કરી છે. તેમજ અન્ય પડતર જમીનમાં સર્વ સમાજના ગરીબ બાળકો માટે શિક્ષણ એજ કલ્યાણ નામની હોસ્ટલ બનાવીને બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે જમીન ફાળવવા ગરીબ બાળકોના પિતા વતી આ જમીન ફાળવી આપવાની માંગ કરી છે.

1998 પહેલા અને 2023 સુધી ખરીદાયેલ જમીનોની એસીબી દ્વારા તપાસ કરવાની માંગ…

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અગાઉ પણ શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે આવેલ જંગલ ખાતાની જમીન રાજકીય લાગવગનો ઉપયોગ કરીને નામે કરી દીધેલ હોય તેમજ શહેરા માર્કેટયાર્ડની જમીન પણ ભાડે લઈને ત્યાં પણ શોપીંગ સેન્ટર બનાવેલ છે. તેમજ અમદાવાદ ઔડાની જમીન પણ તાજેતરમાં લીધેલ છે. આ બધી જમીન પોતાના ભાઈઓ અને સગાં સંબંધીઓ, મિત્રોના નામે રાજ્ય, દેશ વિદેશ સહિત લીધેલ હોય તો આની તપાસ સહિત 1998 પહેલા અને 2023 સુધી તેઓએ ખરીદેલ સંયુકત જમીન, થાપણ, સ્થાનિક સ્થાવર, જંગલ મિલ્કત જેવુંં કે, પેટ્રોલ પંપ, હોટલ, શોપીંગ સેેન્ટર તેઓના ભાઈ, સગાં સંબંધીઓ સહિત નિષ્પક્ષ રીતે એ.સી.બી. તથા અન્ય સરકારી એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો બેનામી સંપતિ કેટલી છે, તે સત્ય બહાર આવે તે માટે તપાસ કરવા માટે વિનંતી કરાઈ છે.

લોકસભા સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી……

સભ્ય જસવંતસિંહ સોલંકી દ્વારા કલેકટરને અપાયેલ વાંધા પત્રમાં કહ્યું હતું કે, ઉપરોકત જણાવેલ જમીનમાં જેઠાભાઈ ભરવાડના નામની કાચી કે પાકી એન્ટ્રી પાડવામાં આવશે અથવા તેઓને આ જમીન ભાડામાંં આપવામાં આવશે તો તેઓ લોકસભા સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારાઈ છે.