શહેરા કેશવ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભા ઉપાધ્યક્ષની અધ્યક્ષતામાં કૃષિ મેળો યોજાયો

શહેરા,

શહેરા ખાતે આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં કૃષિમેળો યોજાયો હતો. ધારાસભ્ય અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ બારીયા ના હસ્તે દિપપ્રાગટ્ય કરીને ખુલ્લુ મુકાયો હતો. કૃષિ પ્રદર્શન અંતર્ગત ખેતીવાડી વિભાગ તેમજ અન્ય કૃષિસંસ્થાઓ દ્વારા લગાવાયેલ સ્ટોલોનું ખેડૂતો દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.

જૂનો પંચમહાલ જિલ્લો પહેલાના સમયમાં બંટી, બાવટો, જુવાર વિગેરે ખેતી માટે પ્રખ્યાત હતો અને તેનો વપરાશ પણ બહોળા પ્રમાણમાં કરવામાં આવતો હતો, પરંતુ સમાયંતરે આ ખેતી ભુલાવા લાગી અને ખેડૂતો રાસાયણિક ખેતી તરફ વળ્યા હતા. ત્યારે નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન (ન્યુટ્રી સિરિયલ) અને એ.જી.આર.- 3 યોજના અંતર્ગત ખેડૂતોમાં જાગૃતિ લાવવાના આશયથી આધુનિક કૃષિ તાંત્રિકતા અને નવીનત્તમ સંશોધનનની માહિતી માટે જિલ્લા કક્ષાના કૃષિ મેળાનું આયોજન શહેરા ખાતે કેશવ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં શહેરાના ધારાસભ્ય અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોનું સ્વાગત બાદ વૈજ્ઞાનિક વિનુભાઈ પટેલે આધુનિક ખેતીને અનુલક્ષી હાજર ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન સાથે આર્થિક સ્થિતિમાં સુધાર માટેની સમજ આપી હતી. ત્યારબાદ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાની રમૂજી શૈલીમાં ખેડૂતોને રાસાયણિક ખેતીની જગ્યાએ છાણીયા ખાતર વડે ખેતી કરવા માટે અને બરછટ ધાન્ય જેવા કે બંટો, બાવટો, બાજરી, જુવાર,રાગની વિગેરેની ખેતી કરવાની અને એજ ધાન્યનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવા માટેની સમજ આપી હતી. જેના થકી રોગોને નાથી શકાય અને જે દવાખાનામાં ભીડ જોવા મળે છે. તેમાં ઘટાડો નોંધાય. કાર્યક્રમના અંતમાં કાર્યક્રમના અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો આકર્ષાય અને તેની ખેતી કરે એના પર ભાર મુક્યો હતો, સાથે જ પંચમહાલ ડેરી જિલ્લામાં દરેક જગ્યાએ ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય મળી રહે માટે ખેડૂતોના નામની નોંધણી કરવાની અને ઓર્ગેનિક ધાન્ય જે પેદા થાય એને ખરીદવાની તૈયારી બતાવી હતી. તેઓએ પણ છાણીયા ખાતરથી ખેતી કરવા માટે જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેવાની અને સારી ખેતીની આવક અને સારી ખેતીની આવક એટલે આર્થિક રીતે વધુ ફાયદો આંમ પ્રવર્તમાન સમયમાં લોકો છાણીયા ખાતર અને બરછટ ધાન્ય કે જે સાવ ભુલાઈ ગયું છે. લોકો તે તરફ આકર્ષિત થાય અને તેનો પાક કરે એ માટે વિનંતી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંચમહાલ જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ, ખેતીવાડી અધિકારી સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ કાર્યક્રમની આભારવિધિ કે.પી.ડાભી મદદનીશ ખેતી નિયામક દ્વારા કરવામાં આવી હતી.