શહેરા જુના વલ્લભપુર ગામે નદી વિસ્તાર સીમમાં દિપડાએ મહિલા ઉપર હુમલો કરતાં ગ્રામજનોમાં ભય

શહેરા, શહેરા તાલુકાના જુના વલ્લવપુરના નવાધરા ફળિયામાં રહેતા સવિતાબેન પર દીપડાએ હુમલો કરતા ચહેરાના ભાગ ઉપર ઇજા થવા પામી હતી. વન વિભાગની ટીમ ગામ ખાતે પહોંચવા સાથે બનેલ ઘટનાને લઈને ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

શહેરા તાલુકાના જુના વલ્લવપુર ગામથી થોડે દૂર જંગલ વિસ્તાર આવેલો છે, જ્યારે દિપડો શિકારની શોધમાં જંગલ છોડીને માનવ વસ્તી તરફ આવી જઈને આ ગામના નવાધરા ફળિયામાં રહેતા સવિતાબેન માછી પર હુમલો કર્યો હતો. દિપડાએ મહિલા સવિતાબેનના ચહેરા પર પંજો મારતા બુમા બુમ કરતા દીપડો ત્યાંથી જતો રહ્યો હતો. જોકે, દીપડાએ પંજો મારતા મહિલાના ચહેરા પર ઇજા થતા સારવાર અર્થે કાંકણપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનેલા બનાવની જાણ આ ગામના ભગીરથ સોલંકી દ્વારા વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ ગામ ખાતે પહોંચી હતી. જોકે, દીપડાએ મહિલા પર હુમલો કરેલ ઘટનાને લઈને સ્થાનિક ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહયો હતો. વન વિભાગ દ્વારા જે જગ્યાએ દીપડાએ મહિલા પર હુમલો કરેલ એ જગ્યા પર વન્ય પ્રાણીના પંજા જોવા મળ્યા હતા. વન વિભાગ દ્વારા મહિલાની પૂછપરછ કરવા સાથે દીપડાને પાંજરે પુરવા માટેની કવાયત હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી. આ ગામ પાસેથી મહીસાગર નદી પણ પસાર થતી હોય અને થોડા દિવસ પહેલા નદી કિનારે દીપડો ગામના એક વ્યક્તિને જોવા મળેલ હોવાનું જાણવા મળેલ હોય ત્યારે દીપડો જંગલ ભૂલીને માનવ વસ્તી તરફ આવ્યો હોય ત્યારે કોઈ બીજા વ્યક્તિઓ પર હુમલો આ રીતે કરે એ પહેલા દીપડાને પાંજરે પુરવામાં આવે એવી આશા ગ્રામજનો રાખી રહયા હતા.