શહેરા-ગોધરા હાઈવે ટીમ્બા પાટીયા ચોકડી પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતાં પુત્રનું મોત પિતાને સારવાર અર્થે ખસેડાયા

શહેરા, શહેરા-ગોધરા હાઇવે પર આવેલ ટીમ્બા પાટીયા ચોકડી પાસે ટ્રક સાથે બાઈક અથડાતાં બાઈક ઉપર સવાર પિતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા 25 વર્ષીય પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત પિતાને 108 એમ્બ્યુલન્સ દ્વારા શહેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઘમાઈ ગામના રહેવાસી મોહનભાઈ ભેમાભાઈ પગી અને તેમનો 25 વર્ષિય પુત્ર સતીષ પગી પોતાની બાઈક નંબર જીજે.06.કેએલ. 2268 બાઈક ઉપર સવાર થઈ ગોધરા તાલુકાના છકડીયા ગામે કોઈક કામઅર્થે ગયા હતા અને કામ પતાવી પરત ઘરે જવા નીકળ્યા હતા. તે સમય દરમિયાન શહેરા-ગોધરા હાઇવે માર્ગ ઉપર આવેલ ટીમ્બા પાટીયા ચોકડી પાસે તેઓની બાઈક ટ્રક સાથે અથડાતાં બાઈક ઉપર સવાર બંને પિતા-પુત્ર રોડ ઉપર પટકાયા હતા. જેને લઈને પિતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા પિતા-પુત્ર પૈકી 25 વર્ષીય પુત્ર સતીષ પગીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત મોહનભાઈ પગીને શહેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા સાથે તેમના પુત્ર સતીષના મૃતદેહને પણ રેફરલ હોસ્પિટલમાં લવાયો હતો. ઘટનાની જાણ તેઓના પરિવારજનોને થતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં તેમના પુત્રને મૃત હાલતમાં જોતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આમ, શહેરા તાલુકાના ઘમાઈ ગામના પિતા-પુત્રને છકડીયા ખાતેથી પરત ફરતી વેળાએ ટીમ્બા પાટીયા ચોકડી પાસે અકસ્માત નડતા પુત્રનું મોત નીપજ્યું હતું.